ગિલક્રિસ્ટે કહ્યું કે, હું તુલના કરવામાં વધારે વિશ્વાસ નથી કરતો. મને નથી લાગતું કે, ભારતીય ફેન્સને ધોની સાથે તેની તુલના કરવી જોઈએ. ધોનીએ પોતાના પ્રદર્શનથી ઉચ્ચ સ્તરના માપદંડો સ્થાપિત કર્યા છે. એક દિવસ કોઈ તેની બરાબરી કરી લે, પણ આવું ભાગ્યે જ શક્ય છે.
આગળ ગિલક્રિસ્ટે કહ્યું કે, રિષભ એક ખુબ જ પ્રતિભાશાળી યુવા ક્રિકેટર છે. આટલા જલદી તેના પર આટલું દબાણ બનાવવાની જરૂરત નથી. એવી આશા રાખવી કે તે દરરોજ ધોની જેવું પ્રદર્શન કરે તે યોગ્ય નથી. રિષભને મારી સલાહ છે કે ધોની પાસેથી જે પણ તું શીખી શકે છે તે બધું શીખી લેજે પણ ધોની બનવાની કોશિશ ન કરતો. કોશિશ કરો કે જેટલું થઈ શકે તેટલું સર્વશ્રેષ્ઠ રિષભ પંત બનો.
ગિલક્રિસ્ટે કહ્યું કે, ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં પંતની બેટિંગે તેને પ્રભાવિત કર્યો હતો. જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં પંત પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેના બદલે રિદ્ધિમાન સહાને ટીમમાં સમાવાયો હતો.
પંત ત્યારબાદ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી20માં કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. બેટિંગમાં તેણે 27 રનની ધીમી ઈનિંગ રમી અને બાદમાં વિકેટકીપિંગમાં બે-ત્રણ ચાન્સ ગુમાવતા ફરી વખત તેની ટિકા થવા લાગી હતી.