નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી-20 મેચમાં પણ પાકિસ્તાનની કારમી હાર થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સીરિઝ 2-0થી જીતી લીધી હતી. નોંધનીય છે કે બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું જ્યારે સીરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઇ હતી. આ મેચમાં પાકિસ્તાન તરફથી ખુશદિલ શાહ અને મુહમ્મદ મૂસાએ ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ખેલાડીઓ પણ ટીમને જીત અપાવી શક્યા નહી. ખુશદિલ ફક્ત આઠ રન બનાવી શક્યો. ઝડપી બોલર મૂસા પ્રથમ મેચમાં એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો.

ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓસ્ટ્રેલિયાના બોલર સામે પાકિસ્તાન 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 106 રન જ બનાવી શકી હતી. જેની સામે ઓસ્ટ્રેલિયાને જીત મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો. ઓપનર એરોન ફિંચના અણનમ 52 અને ડેવિડ વોર્નરના અણનમ 48 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ  10 વિકેટથી મેચ જીતી લીધી હતી.