ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેમણે રન સ્કોરમાં હવે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. બાબર આઝમે  70 રનની ઇનિંગ રમીને T20 ઇન્ટરનેશનલમાં 14મી વખત 50થી વધુ રન બનાવ્યા હતા. પાકિસ્તાન ટીમનાં કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એક જ મેચમાં 5 મોટા રેકોર્ડ બનાવ્યા છે. 


બાબર આઝમની કપ્તાની હેઠળ, પાકિસ્તાને રવિવારે T20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડમાં નામિબિયાને 45 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બાબરે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 49 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં સાત ચોગ્ગા સામેલ હતા. આ ઇનિંગ દરમિયાન બાબરે અન્ય એક મામલામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે અને એક વર્ષમાં T20 ફોર્મેટમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન આ રેકોર્ડની સૌથી નજીક આવ્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો.


વિલિયમસને વર્ષ 2018માં 986 રન બનાવ્યા હતા, જે આ પહેલા એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. આ સિવાય વિરાટે 2016માં 973 અને 2019માં 930 રન બનાવ્યા છે, પરંતુ દરેક વખતે તે એક હજાર પૂરા કરવામાં ચૂકી ગયો હતો. આ બે ખેલાડીઓ સિવાય ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે પણ વર્ષ 2016માં T20 ફોર્મેટમાં 901 રન બનાવ્યા છે.


UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડી સદાબહાર ફોર્મમાં જોવા મળી રહી છે. બંનેએ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સિવાય દરેક મેચમાં પોતાની ટીમને સારી શરૂઆત અપાવી છે. આ બંને ખેલાડીઓની બેટિંગ અદભૂત હતી. ટીમને 29 વર્ષમાં પ્રથમ વખત વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયા સામે જીત મળી હતી. ભારત સામે બંને ખેલાડીઓ આઉટ થયા વિના જ 152 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ દરમિયાન રિઝવાને 55 બોલમાં અણનમ 79 અને બાબરે 52 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા.