સોમવારે વર્લ્ડ નંબર 1 બેડમિન્ટન ખેલાડી જાપાનના કેન્ટો મોમોતા એક કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો. કુઆલાલંપુરમાં થયેલી ઘટનામાં ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. 25 વર્ષીય શટલર મલેશિયા માસ્ટર્સ જીત્યાના કલાકો બાદ એરપોર્ટ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં એક લોરીએ તેની વેનને ટક્કર મારી હતી.


રવિવારે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન મોમોતાએ મલેશિયા માસ્ટર્સની ફાઈનલમાં ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને પરાજય આપ્યો હતો. તેણે વિક્ટરને 54 મીનિટમાં 24-22, 21-11થી માત આપી હતી. આ અકસ્માતમાં મોમોતાની સાથે વેનમાં હોકઆઈ સિસ્ટમ ઓપરેટર બ્રિટનના વિલિયમ થોમસ, જાપાનના આસિસ્ટન્ટ કોચ હિરયામા યૂ અને ફિઝિયોલોજિસ્ટ મોરિમોતો અર્કીફુકી પણ હાજર હતા. અકસ્માત બાદ તાત્કાલિક આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.

મલેશિયાના રમત મંત્રી સૈયદ સિદ્દીકે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે, તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ચારેયની હાલત સ્થિર છે. મલેશિયા બેડમિન્ટન એસોસિયેશનના મહાસચિવ કેની ગોહ ચી કેયોગે કહ્યું હતું કે, મોમોતા અને તેની ટીમ ટોક્યો પરત ફરી રહી હતી. તેમણે ઈન્ડોનેશિયા માસ્ટર્સથી પોતાનું નામ પરત ખેંચ્યું હતું.