ઢાકાઃ બાંગ્લાદેશના વિકેટકિપર બેટ્સમેન લિંટન દાસની પત્ની દેવશ્રી બિસ્વાસ સંચિતા એક દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ છે. 25 વર્ષીય દેવશ્રી ચા બનાવતી હતી તે દરમિયાન રસોઈ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો.


ચહેરાને બચાવી લીધો પણ.....

મીડિયા રિપોર્ટ પ્રમાણે, બ્લાસ્ટમાં દેવશ્રીના જમણો હાથ અને વાળ દાઝી ગયા હતા. દુર્ઘટના અંગે જાણકારી આપતાં દેવશ્રીએ કહ્યું, આ દિવસને હું ક્યારેય ભૂલી નહીં શકું, હું મોતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. ચા બનાવવા માટે રસોડામાં ગયા બાદ મેં ચૂલો ચાલુ કર્યો અને જોરદાર વિસ્ફોટ થયો. મારા જમણા હાથનો ઉપયોગ કરીને ચહેરાને દાઝી જતાં બચાવ્યો હતો. મારો ચહેરો તો બચી ગયો પરંતુ આ કોશિશમાં હાથ સળગી ગયો હતો. સદનસીબે મારો જીવ બચી ગયો.

બાંગ્લાદેશનો કેવો છે ક્રિકેટ રેકોર્ડ

લિંટન દાસની ગણના બાંગ્લાદેશની ટીમના પ્રતિભાશાળી બેટ્સમેનોમાં થાય છે. તેણે અત્યાર સુધીમાં 20 ટેસ્ટ, 36 વન ડે અને 20 ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી છે. વન ડેમાં તેણે 31ની સરેરાશી 1079 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી સામેલ છે. ટેસ્ટમાં 25.26ની સરેરાશથી 859 રન અને ટી-20માં 22.71ની એવરેજથી 636 રન ફટકાર્યા છે.

થોડા મહિના પહેલા જ કર્યા છે લગ્ન

ગત વર્ષે વર્લ્ડકપ 2019 બાદ લિંટન દાસના લગ્ન થયા હતા. હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો સામનો કરી રહ્યં છે ત્યારે લિંટન દાસ દેશમાં લોકોની મદદ માટે આગળ આવ્યો છે. તેણે પોતાના દેશના કોરોના પ્રભાવિત લોકોની મદદ માટે અડધી સેલરી દાન કરી છે.