નવી દિલ્હીઃ બિગ બૈશ લીગ 2019-20માં 47મી મેચ મેલબર્ન રેનેગેડ્સ અને હોબાર્ટ હરિકેન્સની વચ્ચે 21 જાન્યુઆરીએ રમાઈ હતી. રોમાંચક મેચમાં મેલબર્ન રેનેગેડ્સને ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચ દરમિયાન કંઈક એવું થયું જેને વીડિયો જોઈને તમારું મન પણ વિચલિત થઈ શકે છે. મેલબર્ન રેનેગેડ્સની ઇનિંગની ચોથી ઓવરમાં નાથન એલિસના બોલ પર સૈમ હાર્પર અને તેની વચ્ચે ટક્કર થઈ, જે ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળે છે. ત્યાર બાદ સૈમ હાર્પરને મેદાન છોડીને બહાર જવું પડ્યું અને તે બેટિંગ માટે પણ પરત ન આવ્યા.


ડોકલેન્ડ્સ સ્ટેડિયમમાં મેલબૉર્નનો હાર્પર વન-ડાઉન બેટિંગ કરવા માટે આવ્યો. તેણે નાથન એલિસના બોલ પર એક શોટ લગાવ્યો અને સિંગલ લેવા માટે દોડ્યો. ફીલ્ડરે તરત બોલ પકડી નૉન-સ્ટાઈકર એન્ડ પર થ્રો કર્યો. હાર્પરે બોલરને જોયો નહીં અને તે દોડતા-દોડતા પોતાની વિકેટ બચાવવાના ચક્કરમાં તેની ઉપર પડી ગયો.


પડી ગયા બાદ હાર્પર મેદાન પર સૂઈ ગયો અને પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. જોકે, હાર્પર રિટાયર્ડ હર્ટ થઈને પાછો જતો રહ્યો. BBLએ ટ્વીટર પર લખ્યું કે, તેના સ્થાને ટીમમાં ટૉમ કૂપરને શામેલ કરવામાં આવ્યો છે. હાર્પર ત્યારે 6 રને બેટિંગ કરી રહ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ મેચ હોબાર્ટ હરિકેન્સે 4 રનથી જીતી લીધી.