નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વુમેન્સ આઈપીએલ 2019 માટે મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈએ ત્રણ ટીમો વચ્ચે યોજાનારી વુમેન્સ ટી20 ચેલેન્જ માટે મંજૂરી આપી દીધી છે. આ સાથે બોર્ડે તેનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. વુમેન્સ આઈપીએલ 2019માં ફાઈનલ સહિત કુલ ચાર મેચ રમાશે.

ભારતની ટોપની મહિલા ક્રિકેટર સિવાય અન્ય દેશોની મહિલા ક્રિકેટર પણ આ લીગમાં રમશે. ભારતમાં ચાર મેચોની લીગ 6 મેથી 11 મે સુધી ચાલશે. વુમેન્સ આઈપીએલના તમામ મેચો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે. વુમેન્સ ટી20 લીગની ફાઇનલ આઈપીએલ 2019ના ફાઇનલ (હૈદરાબાદમાં)થી એક દિવસ પહેલા એટલે કે 11 મેએ જયપુરમાં રમાશે.

વુમેન્સ આઈપીએલ 2019માં ત્રણ ટીમો ભાગ લઈ રહી છે. તેમાં સુપરનોવાસ (Supernovas), ટ્રેલબ્લેજર્સ (Trailblazers) અને વેલોસિટી (Velocity)નું નામ સામેલ છે. આ ત્રણેય ટીમો રાઉન્ડ-રોબિન પ્રમાણે લીગમાં રમશે. જે બે ટોપ ટીમો હશે તે 11 મેએ ફાઇનલમાં આમને-સામને ટકરાશે.