નવી દિલ્હીઃ બીસીસીઆઈના નૈતિક અધિકારી ડીકે જૈને ગુરુવારે નિર્ણય કર્યો કે સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્ય તથા આઈપીએલ ફ્રેન્ચાઈઝી ટીમોના મેન્ટોર તરીકેની ડબલ ભૂમિકા હિતોના ટકરાવ છે. માટે આ બન્ને પૂર્વ ક્રિકેટરે આ બન્ને ભૂમિકાઓમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે.




બીસીસીઆઇના એથિક્સ સમિતિના અધિકારી ડીકે જૈને ગુરુવારે જણાવ્યું હતું કે બંને ભૂતપૂર્વ ખેલાડીઓ સામે બે કામકાજ સંભાળવાના હિતોના ટકરાવનો મામલો છે. લોઢા સમિતિની ભલામણ અનુસાર એક સમયે કોઇ એક વ્યક્તિ એક જ હોદ્દા પર રહી શકે છે. આ મામલામાં સચિનને કોઇ મુશ્કેલી નડી નથી કારણ કે તેણે સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. બીસીસીઆઇએ બંને ખેલાડી ગાંગુલી તથા લક્ષ્મણને કોઇ એક કાર્ય પસંદ કરવાની તાકિદ કરી છે.



ગાંગુલી હાલમાં બંગાળ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખપદે છે અને તે આઇપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના મેન્ટર પદે છે. તે બોર્ડની સલાહકાર સમિતિનો સભ્ય પણ છે. જૈને એવો પણ વિરોધ નોંધાવ્યો કે, જે ખેલાડીઓએ હજુ સુધી નિવૃત્તિ ના લીધી હોય તે કેવી રીતે કોમેન્ટરી કરી શકે? જે ખેલાડીઓ હાલમાં રમાતા વર્લ્ડ કપમાં કોમેન્ટરી કરી રહ્યા છે તેઓ લોઢા સમિતિની ભલામણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ મુદ્દે વિચારણા કરી રહ્યા છીએ અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.