આ અગાઉ જોની બેયરસ્ટો ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તે મલિંગાનો શિકાર બન્યો હતો. જેમ્સ વિંગ 18 બોલમાં 14 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. જો રૂટે અડધી સદી ફટકારી હતી. ગત મેચમાં શાનદાર ઇનિંગ રમનાર કેપ્ટન મોર્ગન 21 રન બનાવીને ઇસુરુ ઉદાનાનો શિકાર બન્યો હતો. બાદમાં બટલરે 10, મોઇન અલીએ 16 રન ફટકાર્યા હતા.
આ અગાઉ શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં નવ વિકેટ પર 232 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝે અણનમ 85 રનની ઇનિંગ રમી હતી. અવિષ્કા ફર્નોડોએ 49 અને કુસલ મેન્ડિસે 46 રનનું યોગદાન આપ્યું હતું. ઇગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને માર્ક વુડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આદિલ રાશીદને બે વિકેટ મળી હતી. મેન્ડિસ અને મેથ્યુઝે ચોથી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. અવિષ્કાએ મેન્ડિસ સાથે ત્રીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી નિભાવી હતી. મેથ્યુઝે ધનંજય સાથે છઠ્ઠી વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી. ધનંજયે 29 રનની ઇનિંગ રમી હતી.
આર્ચરે આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 15 વિકેટ ઝડપી છે. તે સૌથી વધુ વિકેટ લેવા મામલે ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબર પર છે. આર્ચર ઇગ્લેન્ડ તરફથી એક વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવા મામલામાં બીજા સ્થાન પર આવી ગયો છે. આ મામલામાં પ્રથમ નંબર પર ઇયાન બોથમ છે તેણે 1992માં 16 વિકેટ ઝડપી હતી.