નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ વર્ષોથી ચાલી આવતા વિવાદને ખત્મ કરીને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા)ના દાયરામાં આવવા તૈયાર થઇ ગયું છે. સ્પોર્ટ્સ સચિવ રાધેશ્યામ જુલાનિયાએ તેની પુષ્ટી કરી હતી. બીસીસીઆઇના સીઇઓ રાહુલ જૌહરી સાથે મુલાકાત બાદ જુલાનિયાએ કહ્યું કે, બોર્ડને લેખિતમાં આપ્યું છે કે તે નાડાની ડોપિંગ વિરોધી નીતિનું પાલન કરશે.

જુલાનિયાએ પીટીઆઇએ જણાવ્યું કે, હવે તમામ ક્રિકેટરોની નાડા દ્ધારા તપાસ કરવામાં આવશે. બીસીસીઆઇએ ડોપ પરિક્ષણ કિટની ગુણવતા, પેથોલોજિસ્ટની ક્ષમતા અને સેમ્પલ સંગ્રહ અંગે અમારી સામે ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા. અમે તેમને આશ્વાસન આપ્યું છે કે તે જે પણ સુવિધાઓ ઇચ્છશે જે આપવામાં આવશે પરંતુ આ માટે તેમને થોડો ખર્ચ કરવો પડશે. તેમણે કહ્યું કે, બીસીસીઆઇ બીજાથી અલગ નથી.

અત્યાર સુધી બીસીસીઆઇ નાડાના દાયરામાં આવવાનો ઇનકાર કરતું આવ્યું છે. તેનો દાવો છે કે તે એક સ્વતંત્ર સંસ્થા છે. કોઇ રાષ્ટ્રીય ખેલ મહાસંઘ નથી અને સરકાર પાસેથી ફંડિગ પણ મેળવતું નથી. જોકે, રમતગમત મંત્રાલય સતત કહેવું આવ્યું છે કે તેને નાડા હેઠળ આવવું જોઇએ. તાજેતરમાં જ તેણે દક્ષિણ આફ્રિકા-એ અને મહિલા ટીમોના પ્રવાસની મંજૂરી રોકી દીધી હતી. ત્યારબાદ અટકળો વહેતી થઇ હતી કે બીસીસીઆઇ પર નાડાના દાયરામાં આવવા માટે દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું છે.

આ મંજૂરી બીસીસીઆઇના એ નિર્ણય બાદ મળી છે જેમાં તેણે ભારતીય ટીમ અને મુંબઇના બેટ્સમેન પૃથ્વી શોને ડોપિંગ વિરોધી નિયમોનો ભંગ કરવાના કારણે સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદ નાડાએ કહ્યુ હતું કે, બોર્ડ પાસે ખેલાડીઓનો ટેસ્ટ કરવાનો અધિકાર નથી.