નવી દિલ્હીઃ આઇપીએલના (IPL 2021) કેટલાય ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત (Covid-19) થયા બાદ મંગળવારે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ (IPL 2021 Suspension) સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આઇપીએલને સ્થગિત થવાથી બીસીસીઆઇને (BCCI) પ્રસારણ અને સ્પૉન્સરશીપમાં 2000 કરોડ રૂપિયાથી વધુનુ નુકશાન વેઠવુ પડી શકે છે. એટલે કે આઇપીએસ સ્થગિત થવાથી ભારતના ક્રિકેટ બોર્ડને 2000 કરોડ રૂપિયાનો ફટકો (BCCI loss) પડી શકે છે. 


બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, આ સિઝન અધવચ્ચે અટકાવવી પડી હોવાથી અમને 2000 કરોડ રુપિયા સુધીનુ નુકસાન થઈ શકે છે. કારણકે ટૂર્નામેન્ટમાં 52 દિવસમાં 60 મેચ રમાવાની હતી. 30 મેના રોજ તેની ફાઈનલ હતી. જોકે 24 દિવસમાં 59 જ મેચ રમાઈ હતી અને હવે કોરોના સંક્રમણના કારણે અધવચ્ચે ટૂર્નામેન્ટ રોકવી પડી છે. ટૂર્નામેન્ટનુ પ્રસારણ કરનાર ચેનલ દ્વારા મળતી રકમમાં સૌથી મોટી ગાબડુ પડી શકે છે.કારણકે પાંચ વર્ષ માટે ચેનલે 16000 કરોડ જેટલી રકમ ચુકવવાનુ નક્કી કર્યુ છે. આમ આઈપીએલની પ્રતિ મેચ 54 કરોડ રૂપિયા બોર્ડને ચેનલ ચુકવે છે.


આ સંજોગોમાં બાકીની મેચો નહીં રમાવાથી 1600 કરોડ રૂપિયા જેટલુ નુકસાન થશે. ઉપરાંત મુખ્ય સ્પોન્સરશિપ પેટે પણ આ વખતે 440 કરોડનો જે કોન્ટ્રાક્ટ થયો છે તેમાંથી અડધી રકમ ગુમાવવી પડે તેમ છે. અન્ય સ્પૉન્સર કંપનીઓની રકમ અલગથી ગણાય છે. આમ કુલ મળીને 2000 કરોડ રુપિયા સુધીનુ નુકસાન ક્રિકેટ બોર્ડને થશે. જોકે અધિકારીએ આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓને કેટલુ નુકસાન થશે તેનો ફોડ પાડ્યો નહોતો.


અધિકારીએ કહ્યું કે તમામ પેમેન્ટ્સને અડધુ કે તેનાથી થોડુ ઓછુ કરી દેવામાં આવે તો પણ 2200 કરોડ રૂપિયાનુ નુકશાન આવી શકે છે. અસલમાં આ નુકશાન ખુબ મોટુ છે, પરંતુ આ સિઝન માટે અનુમાનિત નુકશાન છે. ઉલ્લેખનીય છે કે કડક બાયૉ બબલ હોવા છતાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થતા હાહાકાર મચી ગયો હતો.