નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા ઉતરવાની છે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, આગામી વર્ષ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ સરદાર પટેલ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. દિલ્હીમાં થયેલી બેઠકમાં ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ડે-નાઈટ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે.

રવિવારે દિલ્હીમાં બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં આ બંને નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ હાજર રહ્યા હતા. આ બેઠકમાં બોર્ડે આગામી વર્ષે ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ માટે સંભવીત સ્થળો અંગે ચર્ચા કરી હતી. જે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કાર્યક્રમની અંતિમ શ્રેણી રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂન 2021મા લોર્ડ્સમાં રમાશે. આ શ્રેણીની એક ડે-નાઈટ ટેસ્ટ માટે મોટેરાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.



તમને જણાવી દઈએ કે, સરાદર પટેલ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. મોટેરામાં આ સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે, સરદાર પટેલ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું છે. આ આલિશાન સ્ટેડિયમમાં 6 કોર્પોરેટ બોક્સ, 4 ડ્રેસિંગ રૂમ સિવાય ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. આ સ્ટેડિયમમાં LED લાઈટ્સ લાગી છે, જ્યાં ડે-નાઈટ ટેસ્ટ જોવા માટે અને રમવાની એક અલગ જ મજા હશે.

નોંધનીય છે કે થોડા સમય અગાઉ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ક્યાંય પણ ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે હા, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ડે-નાઈટ ટેસ્ટ રમશે. તેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ભારત અત્યાર સુધી ફક્ત એક જ ડે-નાઈટ ટેસ્ટ રમ્યું છે. ભારતે ગત વર્ષે બાંગ્લાદેશ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પોતાની પ્રથમ અને એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ રમી છે જેમાં વિરાટ કોહલીની ટીમનો વિજય થયો હતો.