નવી દિલ્હીઃ યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, અંબાતી રાયડુ અને ઝડપી બોલર નવદીપ સૈનીને ઇગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આઇસીસીએ સંભવિત ખેલાડીઓની પસંદ કરવાની પ્રક્રિયા ખત્મ કરી દીધી છે. જોકે, બીસીસીઆઇ પાસે આ ત્રણ સિવાય કોઇ અન્યની પસંદગી કરવાનો વિકલ્પ પણ રહેશે પરંતુ એમ થવાની સંભાવના ઘણી ઓછી છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આઇસીસી ચેમ્પિયન ટ્રોફીની જેમ અમારી પાસે ત્રણ ખેલાડીઓ સ્ટેન્ડબાય રહેશે. પંત, રાયડુ ક્રમશ પ્રથમ અને બીજો સ્ટેન્ડબાય ખેલાડી રહેશે. જ્યારે સૈની આ યાદીમાં બોલરના રૂપમાં સામેલ છે. ખલીલ અહમદ, આવેશ ખાન અને દીપક ચહર નેટ બોલર તરીકે ટીમમાં સાથે જશે.
ટીમ મેનેજમેન્ટને જો લાગશે તો તેમને ટીમમાં સામેલ કરી શકાશે. સૈની પણ તે રિઝર્વ ખેલાડીઓ સામે છે જેઓ ટીમ સાથે જઇ રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, ખલીલ, આવેશ અને દીપક સ્ટેન્ડબાય ખેલાડી નથી. બોલરોમાં તેમને સામેલ કરવાની સંભાવના બની શકે છે પરંતુ બેટ્સમેન તરીકે રાયડુ અથવા પંતને સામેલ કરવામાં આવશે.