શું કોરોના વાયરસની IPL કાર્યક્રમ પર કોઈ અસર પડશે? સૌરવ ગાંગુલીએ આપ્યો આ જવાબ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Mar 2020 08:11 AM (IST)
કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં આ વાયરસના કારણે 3,100 લોકોએ જીવ ગુમાવ્યા છે.
નવી દિલ્હીઃ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે કોરોના વાયરસના પ્રકોપને કારણે આગામી આઈપીએલ પર કોઈપણ પ્રકારના જોખમની વાતને નકારી દીધી છે. પરંતુ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આઈપીએલ 29 માર્ચથી વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચની સાથે શરૂ થશે જ્યારે ફાીનલ 24 મેના રોજ રમાશે. એ પૂછવા પર શું કોરોના વાયરસને કારણે આઈપીએલ માટે કોઈ જોખમ છે. બ્રિજેશ પટેલે કહ્યું કે, “હજુ સુધી તો કોઈ જોખમ નથી અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.” બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ કોઈ જોખમની વાતને નકારી દીદી છે. તેમણે કહ્યું કે, આઈપીએલ અથવા સાઉથ આફ્રીકાની સાથે શરૂ થઈ રહેલ સીરિઝમાં તેનાથી કોઈ પણ જોખમ નથી. 12 માર્ચના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પ્રથમ વનડે મેચ રમાશે. ગાંગુલીએ કહ્યું કે, “ભારતમાં કંઈ જ નથી. તેના પર (કોરોના વાયરસ) ચર્ચા પણ નથી કરી.” બીસીસીઆઈના એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, દક્ષિણ આફ્રીકાની ટીમ ત્રણ મેચની વનડે સીરિઝના કાર્યક્રમ અનુસાર જ આવી રહી છે. નોંધનીય છે કે કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં આ વાયરસના કારણે 3,100 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 90,000 લોકો તેનાથી ચેપગ્રસ્ત થયા છે. કોરોના વાયરસના કારણે જાપાનના ટોક્યોમાં યોજાનારા ઓલિમ્પિક્સ 2020ના આયોજન પર પણ જોખમ આવી ગયું છે.