કોલકાતા: દેશભરમાં સીએએ અને એનઆરસીને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે, જે લોકો બાંગ્લાદેશથી આવ્યા છે અને અહીં પ્રદેશમાં વસેલા છે તેઓ ચૂંટણીમાં મતદાન પણ કરી રહ્યાં છે. એ તમામ લોકો ભારતીય છે. તેઓને દેશની નાગરિકતા લેવા માટે ફરીથી અરજી કરવાની જરૂર નથી.


મમતાએ તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસક ઘટનાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં 42થી વધુ લોકોના મોતને લઈ તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી, હું બંગાળ સ્થિતિ દિલ્હી જેવી નહીં બનવા દઉં.


ઉત્તર દિનાજપૂર દિલ્લામાં એક રેલીને સંબોધન કરતા મમતાએ કહ્યું કે, જે લોકો બાંગ્લાદેશથી આવ્યા છે. તેઓ ભારતના નાગરિક છે. તેમને નાગરિકતા મળી ચૂકી છે. એવામાં તમારે ફરીથી નાગરિકતા માટે અરજી કરવાની જરૂર નથી. તમે ચૂંટણીમાં વોટ કરી રહ્યાં છે. પીએમ અને સીએમની ચૂંટણીમાં મતદાન કરો છો અને તેઓ હવે કહે છે કે તમે નાગરિક નથી. એવા લોકો પર વિશ્વાસ ન કરો.

આ ઉપરાંત સીએમ મમતાએ કહ્યું, તેઓ એક પણ વ્યક્તિને બંગાળની બહાર જવા નહીં દે. રાજ્યમાં રહેતા કોઈ પણ શરણાર્થી નાગરિકતાથી વચંતિ નહીં રહે. ઉલ્લેખનીય છે કે ભાજપ ઘણીવાર મમતા બેનર્જી પર મુસ્લિમ તુષ્ટિકરણ અને અલ્પસંખ્યક સમુદાયને ધ્યાનમાં રાખીને વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવતી રહી છે.