રાંચીમાં 8 માર્ચના રોજ રમાયેલી ત્રીજી વન ડેમાં ભારતીય ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના સન્માનમાં આર્મી કેપ પહેરીને મેદાનમાં ઉતરી હતી અને મેચ ફી દાન કરી હતી. આઈસીસીએ નિવેદનમાં જણાવ્યું કે, બીસીસીઆઈએ ભંડોળ એકત્ર કરવા તથા શહીદ સૈનિકોની યાદમાં ટોપી પહેરવાની મંજૂરી માંગી હતી અને તેની મંજૂરી આપવામાં આવી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને આ અંગે પત્ર લખ્યો હતો અને આ રીતની ટોપી પહેરવા માટે ભારત સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પીસીબી પ્રમુખ એહસાન મનીએ રવિવારે કરાંચીમાં કહ્યું હતું કે, તેમણે અન્ય કોઇ હેતુથી આઇસીસીની મંજૂરી લીધી નહોતી અને તેનો ઉપયોગ બીજા હેતુ માટે કરવામાં આવ્યો તે સ્વીકાર્ય નથી.
આ અંગે પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘આ ફક્ત ક્રિકેટ નથી. મને આશા છે કે ICC રમત પર થઇ રહેલી રાજનીતિને લઇને કાર્યવાહી કરશે. જો ભારતીય ક્રિકેટ ટીમ આ બધુ બંધ નહીં કરે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમે કાળી પટ્ટી પહેરીને ઉતરવું જોઇએ અને વિશ્વનેને કાશ્મીરમાં થઇ રહેલા ભારતનાં અત્યાચારોને ઉજાગર કરવા જોઇએ.’