નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ના ચેમ્પિયન નક્કી થઈ ગયા છે. 44 વર્ષ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડે આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડને આ વર્લ્ડકપ જીતાડવામાં ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની મહત્ત્વની ભૂમિકા રહી છે. સ્ટોક્સના પ્રદર્શનની ચર્ચા બધી બાજુ થઈ રહી છે. જોકે તેના પિતા ઇંગ્લેન્ડની જીતથી નિરાશ છે, પરંતુ તે દીકરાના પ્રદર્શનથી ખુશ છે.



જણાવી દઇએ કે ઇંગ્લેન્ડનાં ક્રિકેટર બેન સ્ટોક્સનો જન્મ 4 જૂન 1991નાં રોજ ન્યૂઝીલેન્ડની રાજધાની ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો. 12 વર્ષની ઉંમરે તે ઇંગ્લેન્ડ આવી ગયો હતો અને અહી પર આવીને તેણે ક્રિકેટનો કક્કો શીખ્યો. મધ્ય ગતિનો ફાસ્ટ બૉલર અને બેટ્સમેન બન્યો. 28 વર્ષનાં બેન સ્ટોક્સે અત્યાર સુધી 52 ટેસ્ટ અને 95 વન ડે મેચ રમી છે. સાથે જ 23 ટી-20 મેચ રમવાનો પણ અનુભવ છે.

બેન સ્ટોક્સનાં પિતા આજે પણ ન્યૂઝીલેન્ડમાં રહે છે, જ્યારે બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડમાં વસી ચુક્યો છે. પિતા ગેરાર્ડ સ્ટૉક્સે એક વાત-ચીતમાં કહ્યું કે, તેમની ભાવનાઓ ન્યૂઝીલેન્ડ સાથે છે. તેઓ ઇચ્છતા હતા કે વર્લ્ડ કપની ટ્રૉફી ન્યૂઝીલેન્ડ ઉઠાવે, પરંતુ આવુ થયું નહીં. ગેરાર્ડે કહ્યું, “હું ખરેખર બ્લેક કેપ્સ માટે નિરાશ છું. આ નિરાશાની વાત છે કે કોઈને ટ્રોફી વગર ફાઇનલમાંથી પરત ફરવું પડે. જો કે હું બેન સ્ટૉક્સનાં પ્રદર્શનથી ખુશ છું, પરંતુ હજુ પણ હું ન્યૂઝીલેન્ડનો સમર્થક છું.”