નવી દિલ્હીઃ આગામી મહિને ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝીના પ્રવાસે જવાની છે. વર્લ્ડકપ 2019 બાદ ટીમ ઇન્ડિયાનો આ પ્રથમ પ્રવાસ છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ક્યારે થશે તેનો ખુલાસો થઈ ગયો છે. મુંબઈ સ્થિતિ બીસીસીઆઈના મુખ્યાલયથી શુક્રવારે 19 જુલાઈના રોજ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ફાઈનલ 15 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવશે.




પ્રવાસની શરૂઆત 3 ઑગષ્ટથી થવા જઇ રહી છે. ટીમમાં અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાને લઇને પણ શંકા છે. વર્લ્ડ કપ 2019ની સેમી-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ માનવામાં આવી રહ્યું હતુ કે ધોની નિવૃત્તી લઇ લેશે પરંતુ એવું થયું નથી. જો બીસીસીઆઈ સૂત્રોનું માનીએ તો ધોનીએ સંન્યાસ વિશે વિચારવું પડશે.



ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને ટી-20 અને વન ડે સીરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. 22 ઑગષ્ટથી શરૂ થનારી 2 ટેસ્ટ મેચોની સીરીઝ માટે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ ઉપસ્થિત રહેશે, કેમકે ટેસ્ટ સીરીઝ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.

ધવન પણ આ સિરીઝમાં સામેલ થશે કે નહીં તેના પર શંકા છે. સૂત્રો અનુસાર ધવનને પણ આરામ આપવામાં આવી શકે છે અને તેના સ્થાને મયંક અગ્રવાલને વેસ્ટ ઇન્ડિઝ મોકલવામાં આવી શકે છે.