નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં સતત ત્રણ હારનો સામનો કર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમને લઇને એક મોટો ખુલાસો થયો છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના અહેવાલ મુજબ આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન ડિવિલિયર્સ નિવૃત્તિ પરત ખેંચીને વર્લ્ડકપ ટીમનો હિસ્સો બનાવા માંગતો હતો, પણ એક કારણસર આ શક્ય બન્યુ નહીં.

ડિવિલિયર્સે વર્લ્ડકપ ટીમ તરફથી રમવાની ઇચ્છા દર્શાવી હતી, તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ પરત ખેંચવાની વાત કહી હતી પણ મેનેજમેન્ટે આ વાતને માની ન હતી.

ક્રિકેટ વેબસાઇટ ESPNcricinfo અનુસાર, ડિવિલિયર્સ વર્લ્ડકપ પહેલા ગયા મહિને આ રજૂઆત કરી હતી, રિપોર્ટનુ માનીએ તો ડિવિલિયર્સે સાઉથ આફ્રિકન કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ, કૉચ ઓટિસ ગિબ્સન અને સિલેક્ટર્સને આ વિશે વાત કરી હતી, જોકે તેના અંગે કોઇ વિચાર કરવામાં આવ્યો નહીં.



ડિવિલિયર્સે મે 2018માં સન્યાસ લીધો હતો, જેના ઠીક એક વર્ષ બાદ વર્લ્ડકપ રમાવવાનો હતો, આવામાં તે સિલેક્શનના દાયરામાં ન હતો આવતો. નિયમો પ્રમાણે ખેલાડીને એક નિશ્ચિત સમય સુધી ટીમ માટે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું જરૂરી હોય છે.

જો ડિવિલિયર્સ ટીમમાં સામેલ કરી દેવામાં આવે તો અન્ય ખેલાડીઓને અન્યાય થયો ગણાય, જે ડિવિલિયર્સની બાદ સિલેક્ટ થયા છે જેમકે વેન ડેર ડૂસેન.