નવી દિલ્હીઃ મેજબાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ એશિઝ સીરીઝના પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોરી બર્ન્સે ટેસ્ટ ક્રિકેટમાં એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાઈ રહેલ પાંચ મેચની સીરીઝના પ્રથમ ટેસ્ટ મેચમાં રોરી બર્ન્સે મેચના પાંચેય દિવસ બેટિંગ કરી. આ સાથે જ તે એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે.

એશિઝ 2019ની પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે બર્ન્સે ઇંગ્લેન્ડની ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો. તેણે બીજા અને ત્રીજા દિવસે પણ બેટિંગ કરી હતી. ચોથા દિવસે છેલ્લા તબક્કામાં તેણે ફરીથી ઇંગ્લેન્ડના બીજા દાવની શરૂઆત કરી હતી અને અણનમ રહીને પાંચમા દિવસે પણ બેટિંગ માટે મેદાનમાં ઊતર્યો હતો. રોરી બર્ન્સ પહેલાં એશિઝમાં પાંચેય દિવસ બેટિંગ કરવાની સિદ્ધિ ઇંગ્લેન્ડના જ્યોફ બોયકોટે મેળવી હતી. બોયકોટે 1977માં નોટિંગહામ ખાતેની ટેસ્ટમાં પાંચેય દિવસ બેટિંગ કરી હતી.



એજબેસ્ટન ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાતી પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે રોરી બર્ન્સ ચાર બોલમાં ચાર રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજા દિવસે તેણે 278 બોલમાં 121 અને ત્રીજા દિવસે આઠ રન બનાવ્યા હતા. જ્યારે ચોથા દિવસે બીજા દાવમાં 21 બોલમાં સાત રન બનાવ્યા હતા અને પાંચમાં દિવસે 33 બોલમાં એક ચોગ્ગા સાથે 11 રન બનાવીને આઉટ થયો હતો.