નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચ હાર્યા બાદ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. પ્રથમ ટી20માં પંતે રોહિતને એક ખોટો રિવ્યૂ લેવડાવ્યો હતો, જે ખરેખરમાં નૉટ આઉટ નીકળ્યો હતો, રોહિત શર્માએ મેદાન પર પંતને પોતાની અદામાં ઠપકો પણ આપ્યો હતો. જોકે, હવે આ મામલે રોહિતે ખુદ પંતનો બચાવ કર્યો છે.

બાંગ્લાદેશનો બેટ્સમેન રહીમ (60) રનની ખાસ ઇનિંગ રમી, જોકે રહીમ 10મી ઓવરમાં ત્રીજા બૉલ પર LBW આઉટ હતો, આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અપીલ કરી, જ્યારે રોહિતે રિવ્યૂ લેવા માટે વિકેટકીપર પંતની સલાહ લીધી ત્યારે પંતે તેને આઉટ ગણાવીને રોહિતને રિવ્યૂ લેવડાવ્યો હતો. પરંતુ જ્યારે ટીવી એમ્પાયરે રિવ્યૂ કર્યુ ત્યારે રહિમ નૉટ આઉટ જાહેર થયો હતો.



પંતના આ ડિસીઝનથી રોહિતે ખુદ પોતાના અંદાજમાં પંતને મેદાન પર જ ઠપકો આપ્યો હતો. મેચ હાર્યા બાદ લોકો પંતને જવાબદાર ગણી રહ્યાં હતા. જોકે, રોહિતે આ મામલે પંતનો બચાવ કર્યો હતો.


કેપ્ટન રોહિતે પંતનો બચાવ કરતા કહ્યું કે, ''પંત હજુ નવો છે, તેને વસ્તુઓને સમજતા સમય લાગશે. એક બે ડિસીઝનથી પંતને જજ નથી કરી શકાતો. બૉલરનો પણ રિવ્યૂ લેવામાં મહત્વનો ફાળો હોય છે.''



ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 7 વિકેટે હાર આપી હતી, આ સાથે જ બાંગ્લાદેશે સતત 8 ટી20થી ભારત સામે હારવાનો સિલસિલો પણ તોડી નાંખ્યો હતો.