નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને એજબેસ્ટનમાં રમાયેલ મેચમાં બાંગ્લાદેશને 28 રને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના માટે મુશ્કેલી ઉભી કરી લીધી છે. કોહલી પર મેચ દરમિયાન વધારે પડતી અપીલ કરવાને લીધે આઈસીસીના આચાર સંહિતા ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જેના કારણે તેના પર દંડ લાગી શકે છે અને બે મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.



બાંગ્લાદેશ સામેની મેચમાં 12મી ઓવરમાં વિરાટ અમ્પાયર સાથે લાંબી દલીલ કરતો જોવા મળ્યો હતો. અમ્પાયરે ઈન્ડિયાની તરફેણમાં નિર્ણય ન આપતા વિરાટ અમ્પાયર સામે દલીલે ચડ્યો હતો. મહોમ્મદ શમીનો બોલ બાંગ્લાદેશના ઓપનર સૌમ્ય સરકારના પેડને અડ્યો હતો. જો કે ફિલ્ડના અમ્પાયરે કોહલીનો દાવો રિજેક્ટ કરીને થર્ડ અમ્પાયરના સિગ્નલ મુજબ ફિલ્ડ અમ્પાયરે સરકારને નોટ આઉટ જાહેર કર્યો હતો.



કોહલીએ ICCની આચારસંહિતાના લેવલ 1નો ભંગ કર્યો છે. તેણે ICC આચાસંહિતાની કલમ 2.1નો ભંગ કર્યો છે જેમાં ખેલાડીઓ અમ્પાયરને સપોર્ટ કરે તેવો નિયમ છે. આંતરરાષ્ટ્રીય મેચમાં વધુ અપીલ કરવાથી આ નિયમનો ભંગ થાય છે. આમ કરવાથી ખેલાડીએ કાં તો મેચની ફીની 50 ટકા રકમ સુધી પેનલ્ટીમાં ચૂકવવી પડે છે અથવા તો તેણે નિયમ કેવી રીતે ભંગ કર્યો છે તેના આધારે 1 કે 2 ડિમેરિટ પોઈન્ટ મળે છે.



ડિમેરિટ પોઈન્ટ્સ બે વર્ષા ગાળા માટે હોય છે. બે વર્ષ બાદ પ્લેયરનો રેકોર્ડ ડિલિટ કરી દેવાય છે. મંગળવારે કોહલીએ અમ્પાયર સાથે દલીલ કરી તે માટે તેને સજા થવાની શક્યતા નથી પરંતુ જો તે શનિવારે શ્રીલંકા સામે રમાનારી મેચમાં આવું કંઈ કરશે તો મુશ્કેલી સર્જાઈ શકે છે.