નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં ચાલી રહેલા ગજગ્રાહને લઇને હવે કેન્દ્રીય મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. રોહિત અને વિરાટની વચ્ચે કેપ્ટનશીપને લઇને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે તેના પર રમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતાનુ રિએક્શન આપ્યુ છે. તેમને બુધવારે એએનઆઇ સાથે વાત કરતા અપ્રત્યક્ષ રીતે વિરાટને ચેતાવણી આપી અને કહ્યું- રમતથી મોટુ કોઇ નથી. કોઇ ખેલાડી વચ્ચે શું ચાલી રહ્યું છે, હું તેની જાણકારી નથી આપી શકતુ. આ તેની સાથે જોડાયેલી સંસ્થા કે એસોસિએશનની જવાબદારી છે. એ બરાબર રહેશે કે તે આના પર જાણકારી આપે. 




 


વિરાટ વનડે સીરીઝમાંથી ખસી ગયો
રોહિત શર્મા ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ છે ત્યારે ટેસ્ટ સિરિઝમાંથી રોહિત શર્મા ટ્રેનિંગ કેમ્પમાં થયેલી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. સામે  વિરાટ કોહલીએ અંગત કારણસર વન ડે સિરિઝમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં સૂત્રોના મતે, કોહલી રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ રમવા તૈયાર નહીં હોવાથી વન ડે સીરિઝમાંથી ખસી ગયો છે.


ભારતીય ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ તે સ્પષ્ટ થઈ ગયુ છે. કોહલીએ બોર્ડને એવુ કારણ આપ્યુ છે કે, 11 જાન્યુઆરીએ મારી દીકરી વામિકાનો પહેલો બર્થ ડે છે અને તેને હું પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માંગુ છું. કોહલી ત્રીજી ટેસ્ટ બાદ પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે તેવુ કારણ રજૂ કરાયુ છે પણ ભારતીય ટીમ માટે આ સારા સંકેત નથી.


વિરાટ અને રોહિત સાથે બીસીસીઆઇ કરશે વાત
બીસીસીઆઇના એક અધિકારીએ ઇનસાઇડ સ્પોર્ટને જાણકારી આપી છે કે, વિરાટ કોહલીને સોમવારે ટીમ સાથે જોડાવવાનુ હતુ, પરંતુ તે એક દિવસ બાદ ટીમ સાથે જોડાશે. તેને બોર્ડને બતાવ્યુ કે તે પરિવાર સાથે સમય વિતાવવા માટે રજા લેવા માંગે છે. અધિકારીએ કહ્યું કે, કોહલી કેપ્ટનશીપ છીનવાઇ ગયા બાદ આ પ્રકારની રજાઓ લેવા માંગે છે, તે અમે જાણીએ છીએ, પરંતુ આ બધી વાતને હળવાશથી નહીં લેવામાં આવે. બીસીસીઆઇ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે મતભેદ થવાની વાતોને અગાઉ ફગાવી ચૂક્યુ છે પરંતુ હવે આ વાત સામે આવી ચૂકી છે. 


બીસીસીઆઇ અધિકારીએ ઇનસાઇડ સ્પોર્ટને બતાવ્યુ કે, સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ અમે બન્ને કેપ્ટનોની સાથે બેસીશુ અને આગળનો રસ્તો કાઢીશું. કોહલીને વનડેની કેપ્ટનશીપ પરથી હટાવવાનો ફેંસલો ટીમના હિતમાં લેવામાં આવ્યો હતો, અને વિરાટે આ પ્રકારે રિએક્ટ નહતુ કરવુ જોઇતુ. રોહિત અને કોહલીએ સાથે રમવુ જોઇએ. વિરાટ ટીમ માટે મહત્વનો ખેલાડી છે.