પુણેઃ આઈપીએલની 11મી સિઝનની મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે રાજસ્થાન રોયલ્સને 64 રને હરાવ્યું. ચેન્નઈએ 204 રન બનાવ્યા હતા. વોટસને આક્રમક સદી ફટકારતા 104 રન બનાવ્યા હતા. જ્યારે ટાર્ગેટ પૂરો કરવા ઊતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ અંત સુધી ટકી શકી નહોતી અને તેના તમામ ખેલાડી 140 રન જ બનાવી શક્યા હતા.
ચેન્નઈ તરફથી દીપક ચહર, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને ડ્વેન બ્રાવોએ બે-બે વિકેટ ઝડપી હતી. આ વિજય સાથે જ ચેન્નઈના છ પોઇન્ટ થઈ ગયા છે અને રનરેટના આધારે પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ચૂકી છે.શેન વોટ્સનની શાનદાર સદીની મદદથી ચેન્નઇ સુપરકિંગ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 205 રનનો પડકાર આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નઇની શરૂઆત સારી રહી હતી. ફક્ત 4.3 ઓવરમાં 50 રન બનાવી લીધા હતા. શેન વોટ્સન સિવાય સુરેશ રૈનાએ પણ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 29 બોલમાં 46 રન ફટકાર્યા હતા. રૈનાના આઉટ થયા બાદ કેપ્ટન ધોની અને સેમ બિલિંગ્સ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. જોકે, અંતમાં બ્રેવોએ 16 બોલમાં 24 રન ફટકારી ટીમનો સ્કોર 200ને પાર લઇ જવામાં મદદ કરી હતી. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે ત્રણ અને લોકહિને બે વિકેટ ઝડપી હતી.