નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું માનવું છે કે, આઈસીસી વર્લ્ડકપ 2019ની ફાઈનલ સુપર ઓવરમાં પણ ટાઈ થયા બાદ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડન બન્નેને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવા જોઈતા હતા. વર્લ્ડકપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવરમાં પણ ટાઈ ગયા બાદ બાઉન્ડ્રીના આધારે વર્લ્ડકપમાં જીત મેળવી હતી.


ચેતેશ્વર પુજારાએ કહ્યું કે, “ઈમાનદારીથી કહું તો મને નથી લાગતુ કે કોઈ ટીમ હારી છે, કેમકે મુકાબલો ટાઈ હતો. મને લાગે છે કે બંને ટીમોને ટ્રોફી આપવી જોઇતી હતી. જો કે આના પર નિર્ણય આઈસીસીએ કરવાનો છે અને તેમણે જ નિયમોને લઇને વિચાર-વિમર્શ કરવાનો છે.”



પુજારાએ કહ્યું કે, “આ પહેલા વર્લ્ડકપ ફાઇનલમાં ક્યારેય પણ આવું નહોતુ થયું. ન્યૂઝીલેન્ડ ટીમ ઘણી સારી રમી, પરંતુ તેની સાથે થોડું ખરાબ થયું. જો કે આ મેચ ઘણી સારી રહી અને મને લાગે છે કે આ મેચને વર્ષો સુધી યાદ કરવામાં આવશે.”

વનડે ટીમમાં સ્થાન મળવા મામલે પુજારાએ કહ્યું કે, “જ્યારે હું ટેસ્ટમાં સારું કરી રહ્યો છું તો મારામાં ક્રિકેટનાં નાના ફૉર્મેટમાં પણ સારું કરવાની ક્ષમતા છે. હું વન ડે અને ટી-20માં પણ સુધારો કરી રહ્યો છું. આ ઉપરાંત હાલમાં મે જેટલી પણ ઘરેલૂ મેચો રમી છે તેમાં મારું પ્રદર્શન સારું રહ્યું છે. આ માટે ક્રિકેટર તરીકે હું ત્રણેય ફૉર્મેટમાં રમવા ઇચ્છુ છું.”