નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના 40 વર્ષીય સ્ટાર બેટ્સમેન ક્રિસે ગેલે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર એક તસવીરનો જવાબ આપતા કહ્યું કે, તે ટી20 ક્રિકેટમાં વધુ 10 સેન્ચુરી ફટકારશે. રવિવારે વિન્ડિઝના આ બેટ્સમેને ટ્વીટ કરીને ઈશારા ઈશારામાં કહ્યું કે તે હજુ કેટલાક વર્ષ સુધી ટી20 ક્રિકેટ રમતા રહેશે. તથા ક્રિકેટના આ ફોર્મેટમાં પોતાની સેન્ચુરીની સંખ્યા વધારવા માગે છે. હાલમાં જ ક્રિકેટથી દૂર રહેલ આ સદાબહાર ક્રિકેટરે ટ્વીટ દ્વારા નજીકના ભવિષ્યમાં ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની અટકળો પર વિરામ લગાવી દીધો છે.


વર્ષ 1999માં વેસ્ટ ઇન્ડિઝ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર આ બેટ્સમેન હાલમાં ટી20 ક્રિકેટના સૌથી અનુભવી બેટ્સમેન ગણાય છે. છેલ્લા ઘણાં સમયથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિન્ડિઝનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા પરંતુ વિશ્વભરમાં આયોજિત થનારી ટી20 ટૂર્નામેન્ટમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. ટી20 ઈતિહાસની પ્રથમ સેન્ચુરી લગાવનાર આ બેટ્સમેને અત્યાર સુધી 22 સેન્ચુરી તથા 82 હાફ સેન્ચુરી ફટકારી છે. તેણે ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં અત્યાર સુધી 13,296 રન બનાવ્યા છે. વિન્ડિઝ તરફથી તેણે ટી20માં બે સેન્ચુરી ફટકારી છે.

કોરોના વાઇરસના કારણે ક્રિસ ગેલ હાલમાં રમતો નથી. નેપાળમાં આયોજિત એવરેસ્ટ પ્રિમિયર લીગમાં તે હિસ્સો લેવાનો હતો પણ કોરોના વાઇરસના કારણે એ રદ કરાઈ છે. આ વર્ષે તે આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમવાનો છે. જોકે આઈપીએલનું આયોજન પણ થશે કે નહીં એ હાલમાં કહેવું અઘરું છે.