નવી દિલ્હીઃ ક્રિસ લિને અબુ ધાબીના શેખ આઝાદ સ્ટેડિયમમાં મરાઠા અરેબિયન્સ તરફથી રમતા ટીમ અબુ ધાબી વિરૂદ્ધ 30 બોલમાં 91 રનની શાનદાર ઇનિંગ રમી ટી10માં ધૂમ મચાવી છે. લિને પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને અણનમ 91 રન બનાવ્યા જે ટી10 લીગનો સર્વોચ્ચે સ્કોર છે. નોંધનીય છે કે, આઈપીએલ 2020 પહેલા કેકેઆર દ્વારા ટીમમાંથી તેના ખેલાડી ક્રિસ લિનને રિલીઝ કરવામાં આવ્યો.



જોકે લીનની આ ધમાકેદાર બેટિંગ બાદ તેને હવે આઈપીએલ હરાજીમાં ફાયદો થવાની શક્યતા છે. આઈપીએલમાં કોલકાતા માટે લીને 41 મેચ રમ્યા છે. જેમાં તેને 1289 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 140 ઉપર રહી છે. ત્યારે હવે 19 ડિસેમ્બરે કોલકાતા ખાતે થનારી IPL હરાજીમાં લીનને મોટો ફાયદો થશે એવી અપેક્ષા છે.


મરાઠા અરેબિયન્સ ટીમના સાથી યુવરાજ સિંહે પણ લિનની આ શાનદાર ઇનિંગના વખાણ કર્યા છે. તેમણે કહ્યું, ‘મેં આઈપીએલમાં તેને જોયો છે. તેણે કેકેઆર માટે સારૂ શરૂઆત આપી છે. મને એ નથી સમજાતું કે તેને ટીમમાં કેમ રાખવામાં ન આવ્યો. મને લાગે છે કે, આ એક ખરાબ નિર્ણય છે. શાહરૂખ ખાન (ટીમ માલિક)ને મેસેજ મોકલવો જોઈએ.’