Indian Hockey Wins Silver: બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સની મેન્સ હોકી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8-0થી હરાવ્યું હતું. આ હાર સાથે ભારતીય હોકી ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.


પ્રથમ ક્વાર્ટરમાં નવમી મિનિટે, બ્લેક ગોવર્સએ પેનલ્ટી કોર્નરથી ડ્રેગ-ફ્લિક સાથે ગોલ કર્યો હતો. ત્યાર પછી 14મી મિનિટે નાથન ઈફ્રોમ્સે ફિલ્ડ ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને 2-0ની લીડ અપાવી હતી. આ પછી બીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાની લીડ 5-0 થઈ ગઈ. અહીંથી ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની જીત નિશ્ચિત કરી લીધી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓને એક પણ ગોલ કરવામાં સફળતા નહોતી મળી.


ભારતના ખેલાડીઓ એક પણ ગોલ ના કરી શક્યાઃ


ત્રીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ વધુ એક ગોલ કર્યો હતો. આ સાથે તેની લીડ વધીને 6-0 થઈ ગઈ. ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ વધુ એક ગોલ કર્યો હતો. આમ ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સે શાનદાર પ્રદર્શન કરતાં 8 ગોલ દાગી દીધા હતા. આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ ગોલ કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને તેમને એક પણ ગોલ કરવામાં સફળતા નહોતી મળી. આ સાથે ભારતે ફાઈનલ મેચ હારી હતી અને સિલ્વર મેડલ જીત્યો હતો.




ભારતીય હોકી ટીમ ત્રીજી વખત ફાઇનલમાં હારીઃ


તમને જણાવી દઈએ કે, ભારતીય હોકી ટીમ ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફરી એકવાર તેને ફાઈલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય હોકી ટીમ 2010 અને 2014ની ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયાના હાથે જ હારી ગઈ હતી.