Commonwealth Games 2022 India: કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડા સામે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8-0થી જીતી લીધી હતી. ભારત તરફથી હરમનપ્રીતે બે ગોલ કર્યા હતા. જ્યારે અમિત, લલિત ઉપાધ્યાય, ગુરજત અને મનદીપે એક-એક ગોલ કર્યા હતા. જ્યારે આકાશદીપે બે ગોલ કર્યા હતા.






મનપ્રીત સિંહની કેપ્ટનશીપમાં  ભારતીય ટીમે કેનેડા પર પ્રેશર જાળવી રાખ્યું હતું.  ભારતે સતત સારું પ્રદર્શન કર્યું. ટીમ માટે વાઇસ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ કર્યા હતા. જ્યારે આકાશદીપ સિંહે પણ બે ગોલ કર્યા હતા. આ સિવાય લલિત ઉપાધ્યાયે શાનદાર પ્રદર્શન કરતા ગોલ કર્યો હતો. જ્યારે અમિત રોહિદાસે એક ગોલ કર્યો હતો.


ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં જ બે ગોલ કર્યા હતા. ભારતને સાતમી મિનિટે જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જેમાં હરમનપ્રીત સિંહે ડ્રેગ ફ્લિક પર શાનદાર ગોલ કર્યો હતો. આ પછી અમિત રોહિદાસે 10મી મિનિટે ગોલ કરીને ટીમ ઈન્ડિયાને પહેલા ક્વાર્ટરમાં 2-0ની સરસાઈ અપાવી હતી.


બીજા ક્વાર્ટરમાં ભારતે બોલ પર કબજો જમાવ્યો હતો અને કેનેડાને કોઈ તક આપી નહોતી. લલિત ઉપાધ્યાયે 20મી મિનિટે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. ગુરજંત સિંહે 27મી મિનિટે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. તેણે કાઉન્ટર એટેક પર શાનદાર ફિલ્ડ ગોલ કર્યો.


ત્રીજા ક્વાર્ટરમાં આકાશદીપ સિંહે 38મી મિનિટે ભારત માટે પાંચમો ગોલ કર્યો હતો. અભિષેક 38મી અને 40મી મિનિટમાં ગોલ કરવાનું ચૂકી ગયો હતો. ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે પ્રહાર ચાલુ રાખ્યો હતો. ભારતને 56મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. હરમનપ્રીત સિંહે ડ્રેગ ફ્લિક વડે શાનદાર ગોલ કર્યો હતો. આ સાથે જ મનદીપ સિંહે 58મી મિનિટે ગોલ કરીને ભારતને 7-0ની સરસાઈ અપાવી હતી. આ પછી આકાશદીપ સિંહે ગોલ કરીને ભારતને 8-0ની લીડ અપાવી હતી.


ભારતીય પુરુષ ટીમ પૂલ બીમાં નંબર વન પર પહોંચી છે


આ જીત સાથે ભારતીય પુરૂષ હોકી ટીમે સેમિફાઇનલ માટે પોતાનો દાવો મજબૂત કરી લીધો છે. કેનેડા સામેની જીત બાદ ટીમ ઈન્ડિયા હાલમાં પોતાના ગ્રુપ (પૂલ-બી)માં નંબર વન પર પહોંચી ગઈ છે. ભારતના હાલ ત્રણ મેચમાં 7 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ ઘાના સામે 11-0થી જીતી હતી, જ્યારે ટીમને ઈંગ્લેન્ડ સામે 4-4થી ડ્રો રમવી પડી હતી.