CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં યોજાઈ રહી છે. જેમાં ભારતે પાંચમા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. લૉન બોલ્સની વુમન્સ ફોરની મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં ભારત માટે રૂપા રાની તિર્કીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની સાથે લવલી ચૌબે, પિંકી અને નયનમોનીએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. લોન બોલ્સની આ રમતમાં દેશ માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે.
લૉન બોલ્સની આ મેચમાં ભારતે શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાને ટક્કર આપી હતી. પરંતુ થોડા સમય માટે દક્ષિણ આફ્રિકાએ પણ લીડ જાળવી રાખી હતી. છેલ્લા રાઉન્ડ પહેલાં ભારતે 5 પોઈન્ટની લીડ લીધી હતી અને અંતે કુલ 7 પોઈન્ટની લીડ સાથે મેચ જીતી લીધી હતી. ભારતની ખેલાડી રૂપ રાનીએ આ મેચમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે મેચ દરમિયાન સાથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી.
આ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ચોથો ગોલ્ડ મેડલ મેળવી લીધો છે. ઉલ્લેખનીય છે કે, લોન બોલ્સની રમતમાં ક્યારેય ભારતે મેડલ નથી જીત્યો ત્યારે આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ સાથે ભારતે અનોખી સિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે, લોન બોલ્સ મહિલા ટીમની અનોખી સિદ્ધીની પ્રસંશા કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.