Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે કેનેડાની મહિલા ટીમને 3-2થી હાર આપી હતી.
ભારતીય મહિલા હોકી ટીમ માટે આ કરો યા મરો મેચ હતી. ભારતની મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતે ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં કેનેડાને 3-2થી હરાવ્યું હતું. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ભારતે 5મી વખત કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા ટીમની નજર હવે મેડલ જીતવા પર રહેશે.
ભારતીય ટીમ પાંચમી વખત કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં પહોંચી છે. ભારતીય મહિલા ટીમ છેલ્લી વખત 2018 (ગોલ્ડ કોસ્ટ) માં અંતિમ-4 માં સ્થાન મેળવ્યું હતું પરંતુ તે પછી તે કાંસ્ય ચંદ્રકથી ચૂકી ગઈ હતી.
આજની મેચમા ભારત તરફથી સલીમા ટેટે, નવનીત કૌર અને લાલરેમસિયામીએ ગોલ કર્યા હતા. જ્યારે કેનેડા તરફથી બ્રાયન સ્ટેયર્સ અને હેન્નાહ હ્યુને ગોલ કર્યા હતા. ભારત ગ્રુપમાં ચારમાંથી ત્રણ મેચ જીતવામાં સફળ રહ્યું છે. તેઓએ ઘાનાને 5-0 અને વેલ્સને 3-1થી હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો 5 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા સામે થશે.
ભારતીય ટીમ ચાર મેચમાંથી ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેના નવ પોઈન્ટ છે. ઈંગ્લેન્ડના પણ નવ પોઈન્ટ છે, પરંતુ તે વધુ સારા ગોલ તફાવત સાથે પ્રથમ સ્થાને છે. આ સિવાય તેને વેલ્સ સાથે પણ મેચ રમવાની છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં ટોપ પર છે. બીજા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડના માત્ર છ પોઈન્ટ છે. જો તે મેચ જીતશે તો પણ તેને માત્ર નવ પોઈન્ટ જ મળશે. ગ્રુપ Bમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમ સેમિફાઈનલમાં ગ્રુપ Aમાં બીજા સ્થાને રહેલી ટીમ સામે રમશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ભારત સાથે થશે.