નવી દિલ્હીઃ ક્રિકેટના મુકાબલામાં મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઘણીવાર માથાકૂટ થતી હોય છે. પરંતુ બુધવારે કુઆલાલમ્પુરમાં એક એવી ઘટના જોવા મળી, જેને લઈ મેદાન પર હાજર ખેલાડીઓ હસવાનું રોકી શક્યા નહોતા. કુઆલાલમ્પુરમાં કેનેડા અને ડેનમાર્ક વચ્ચે સીડબલ્યુસી ચેલેન્જ લીગ ગ્રુપ એની મેચ દરમિયાન રન દોડતી વખતે બેટ્સમેનોમાં થયેલી ગેરસમજના કારણે તૂ-તૂ મૈ-મૈંની નોબત આવી હતી.

કેનેડાના બેટ્સમેન હમજા તારિકે શોટ ફટકારીને એક રન લીધો હતો, પરંતુ બીજો રન લેવાની કોશિશમાં હમજા અને તેના સાથી બેટ્સમેન રવીન્દ્ર પાલ સિંહ એક જ છેડા પર આવી ગયા હતા અને ડેનમાર્કના વિકેટકિપર અબ્દુલ હાશમીએ જોનાસ હેનરિક્સનના થ્રો પર મોકો ગુમાવ્યો વગર સ્ટંપ ઉડાવી દીધા હતા.

જે બાદ એક જ છેડા પર ભેગા થયેલા કેનેડાના બંને બેટ્સમેનોમાં રન આઉટને લઈ વિવાદ થયો હતો. જેમાં બંને એકબીજાને તું આઉટ છે, તુ આઉટ છે તેમ કહેવા લાગ્યા. આખરે હમજા તારિકને મેદાન છોડવું પડ્યું હતું. ટ્વિટર હેન્ડલ @cricketworldcup પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે બાદ આઈસીસીએ તેના ટ્વિટર હેન્ડલ @ICC પરથી કઈંક આ રીતે તેની પ્રતિક્રિયા આપી હતી.