નવી દિલ્હી:  કોરોના વાયરસના કહેરને જોતાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બૉર્ડે મોટો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ ટાળી દીધી છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, દેશમાં એક જુલાઈ સુધી પ્રોફેશનલ ક્રિકેટ નહીં રમાઈ. આ પહેલા ઈસીબીએ પ્રોફેશનલ ક્રિકેટ પર 28 મે સુધી રોક લગાવી હતી.


ઈસીબી દ્વારા 1 જુલાઈ સુધી ક્રિકેટ પર રોક લગાવવાનાા નિર્ણયના કારણે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝ ટાળી દીધી છે. જો કે આ સીરિઝનું આયોજન સપ્ટેમ્બર સુધીમાં થાય તેવું આયોજન પણ કરી રહ્યાં છે. ઈસીબીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, વર્તમાન સ્થિતિમાં ઈંગ્લેન્ડમાં ક્રિકેટ મેચ રમાઈ શકે નહીં.

ઈસીબીના વડાનું માનવું છે કે,જ્યાં સુધી સ્વાસ્થ્યને લઈ સુરક્ષા સુનિશ્ચિત નથી થઈ શકતી, ત્યાં સુધી ક્રિકેટનું આયોજન થઈ શકે નહીં. ટૉમે કહ્યું, “અન્ય રમતની જેમ અમારી સામે પણ આ પડકાર છે કે કઈ રીતે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પગલા લેવામાં આવે.”