નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં દવાની પ્રથમ ક્લીનિક ટ્રાયલ નિષ્ફળ રહી છે. રેમડેસીવીર દવાથી આશા હતી કે કોવિડ-19ની સારવારમાં કારગર સાબિત થશે, પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના દસ્તાવેજ પરથી ખબર પડે છે કે, ચીનમાં કરવામાં આવેલી ટ્રાયલ સફળ રહી નથી.


વિશ્વ આરોગ્ય સંગઠને દસ્તાવેજમાં જણાવ્યું કે, રેમડેસીવીર દવાથી ન તો દર્દીઓની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને ન તો વાયરસમાં ઘટાડો જોવા મળ્યો. ચીનમાં ક્લીનિક ટ્રાયલની નિષ્ફળતા અંગેના અહેવાલ ત્યારે ફેલાયા જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠને તેની વિસ્તૃત જાણકારી પોતાના ડેટા બેઝમાં નાખ્યા. જો કે, બાદમાં તેને હટાવી લેવામાં આવ્યા. વિશ્વ આરોગ્ય સંગઠને તેની પુષ્ટી કરતા જણાવ્યું કે, ટ્રાયલને ભૂલથી ડેટાબેઝમાં નાખવામાં આવ્યા હતા. દસ્તાવેજ અનુસાર આ ટ્રાયલ 237 દર્દીઓ પર કરવામાં આવી હતી જેમાંથી 158 દર્દીઓને રેમડેસીવીર દવા આપવામાં આવી જ્યારે 79 દર્દીનો પ્લેસીબો.

એક મહિના બાદ દવા લેનારાઓમાં મરનારા 13.9 ટકા હતા જ્યારે પ્લેસીબો લેનારાઓમાં આંકડો 12.8 ટકા. જેના બાદ આ દવાની નકારાત્મક અસર જોવા મળતા તેના પર રોક લગાવી દીધી. દસ્તાવેજમાં જણાવામાં આવ્યું છે કે, રેમડેસીવીરને કોઈ ક્લીનિક કે વાયરોલોજિકલ ફાયદાથી કોઈ સંબંધ નથી. એમેરિકામાં આ દવાની નિષ્ફળતાના અહેવાલ બાદ ત્યાનાં શેર બજારમાં મંદી જોવા મળી હતી.



જો કે, દવા બનાવનાર અમેરિકી ફર્મ ગિલિએડ સાયન્સે કહ્યું છે કે, દસ્તાવેજમાં ટ્રાયલને યોગ્ય રીતે રજૂ કરવામાં આવી નથી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, ટ્રાયલને સમય પહેલા એટલા માટે બંધ કરવામાં આવી કારણ કે તેમાં સ્વેચ્છાએ લેનારા દર્દીઓની સંખ્યા ખૂજબજ ઓછી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી સામે લડવા બ્રિટને વાયરસની વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ(માનવ પરીક્ષણ) શરૂ કરી દીધું છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે વેક્સીન તૈયાર કરી રહ્યાં છે, તેમાં સફળતાની 80 ટકા સંભાવના છે. એવામાં જો આ વેક્સીન બનાવવામાં સફળતા મળશે તો તે માત્ર બ્રિટન માટે જ નહી પરંતુ કોરોના વાયરસ સામે લડી રહેલી સમગ્ર દુનિયા માટે મોટા રાહતના સમાચાર હશે.