નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સીરિઝના બાકીના બે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સીરિઝના બાકીના બે મેચ માટે હાલમાં કોઈ નવી તારીખની જાહેરાત કરી નથી. આ નિર્ણયની સાથે જ ઓસ્ટ્રેલિયામાં હાજર ન્યૂઝીલેન્ડના ક્રિકેટર્સ પોતાના દેશ પરત ફરશે. બન્ને ટીમોની વચ્ચે પ્રથમ વનડે મેચ શુક્રવારે રમાઈ હતી.


ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સીરિઝ પર પહેલેથી જ કોરોના વાયરસનું જોખમ હતું. બન્ને ટીમોની વચ્ચે શુક્રવારે સીરિઝની પ્રથમ મેચ દર્શકો વગર રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમને 71 રને જીત મેળવી હતી અને ત્રણ મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી હતી. સીરિઝની બીજી વનડે 15 માર્ચે અને ત્રીજી વનડે 20 માર્ચે રમાવાની હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી નોટિસ સુધી આ સીરિઝ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ મળીને આ સીરિઝનું ભવિષ્ય નક્કી કરશે.  એવી જાણકારી છે કે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમામનાર અંડર 19 ક્રિકેચ મેચ પણ રદ્દ કરવામાં આવી છે. બન્ને દેશોની અંડર 19 ટીમોની વચ્ચે 20-20 મેચની સિરિઝ રમાવાની હતી.

મહિલા ટીમે દક્ષિણ આફ્રીકાનો પ્રવાસ રદ્દ કર્યો

કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયાએ બાકીના દેશોની સાથેની સીરિઝ પણ રદ્દ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ આ મહિનાના અંતમાં જનાર પોતાના દક્ષિણ આફ્રીકાનો પ્રવાસ પણ રદ્દ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે 8 માર્ચના રોજ ઇન્ડિયાને હરાવીને આઈસીસી મહિલા 20-20 વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો છે.