નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં આવેલ મોટા ઘટાડા બાદ સરકારે ઘરઆંગણે લોકોને તેનો લાભ આપવાને બદલે મોટો ઝાટકો આપ્યો છે. મોદી સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં તોતિંગ ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. શનિવારે સતત 10માં દિવસે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જોકે સરકાર  દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવાની સીધી અસર ગ્રાહકો પર નહીં પણ એમ કહી શકાય કે આટલી જ કિંમતનો ઘટાડો સરકાર પેટ્રોલ ડીઝલમાં કરી શકી હોત પરંતુ ગ્રાહકોને તેનો લાભ આપવાને બદલે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરીને ગ્રાહકોને ઝાટકો આપ્યો છે.


આઈઓસીએલની વેબસાઈટ અનુસાર, આજે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 13 પૈસા ઘટી છે અને ચેન્નઈમાં આ ઘટાડો 14 પૈસાનો છે, દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 69.87 રૂપિયા જ્યારે કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં 72.57 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં આ ઘટાડો 31 પૈસાનો છે. કોલકાતામાં 16 પૈસા અને મુંબઈ અને ચેન્નઈમાં આ 17 પૈસા સસ્તું થયું છે. આ મહાનગરોમાં એક લીટર ડીઝલ માટે લોકોએ ક્રમશઃ 62.58, 64.91, 65.51 અને 66.02 રૂપિયા ચૂકવવા પડશે.

દરરોજ સવારે છ કલાકે બદલાય છે કિંમત

જણાવીએ કે, દરરોજ સવારે છ કલાકે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થાય છે. સવારે છ કલાકથી નવા રેટ લાગુ થતા હોય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે .

કિંમત આ રીતે થાય છે નક્કી

રૂપિયા સાામે ડોલરની કિંમત અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત કેટલી છે, આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થાય છે. આ આધારે જ પેટ્રોલ અને ડીઝલ રેટ રોજ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે.