લંડનઃ ભારતમાં કોરોના વધારે વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 8 કલાકે જનતાને સંબોધન કરીને રવિવાર, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી. શુક્રવારે ઈંગ્લેન્ડના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન કેવિન પીટરસને દેશવાસીઓને કોરોના વાયરસ સામે લડવા હિન્દીમાં સાવધાન કર્યા હતા. તેના આ પ્રયાસની પીએમ મોદીએ પ્રશંસા કરી હતી. તો પીટરસને પણ જવાબ આપવામાં વાર નહોતી કરી,



મોદીએ ભલે અંગ્રેજીમાં પીટરસનની પ્રશંસા કરી હોય પરંતુ પીટરસને હિન્દીમાં પીએમની પ્રશંસા કરી હતી. મોદીએ કોરોના વાયરસ સામેના જંગમાં પીટરસન સહિત અનેક ક્રિકેટરોના પ્રયત્નના પ્રશંસા કરી હતી.



તેમણે ટ્વિટર પર લખ્યું, વિસ્ફોટક બેટ્સમેન જેમણે ટીમોને સંકટમાં મુકી દીધી હતી. તે આપણને કઈંક કહી રહ્યા છે. કોવિડ-19 સામે આપણે બધા સાથે મળીને લડશું. આ ટ્વિટમાં પીએમ મોદીએ કોહલી, રૈના, ધવન, રહાણેના ટ્વિટ્સ સામેલ કર્યા હતા.

ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેને પ્રધાનમંત્રી મોદીની આ વાતનો જવાબ આપવામાં સહેજ પણ વાર નહોતી કરી. તેમણે જવાબ આપતાં લખ્યું, શુક્રિયા મોદીજી. તમારું નેતૃત્વ ઘણું વિસ્ફોટક છે. આ ઉપરાંત તેણે નમસ્તે વાળી ઇમોજી પણ શેર કરી હતી.

કેવિન પીટરસને ઈંગ્લેન્ડ તરફથી 104 ટેસ્ટમાં 8181 રન બનાવ્યા છે. જેમાં 23 સદી અને 35 અડધી સદી સામેલ છે. જ્યારે 136 વન ડેમાં 9 સદી અને 25 અડધી સદી વડે 4440 રન ફટકાર્યા છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20માં 37 મેચમાં 141.5ના સ્ટ્રાઇક રેટથી 1176 રન બનાવ્યા છે.