સિડનીઃ હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. એક તરફ સમગ્ર વિશ્વમાં લોકો કોરોના વાયરસથી ડર્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક લોકોની બેદરકારીના કારણે કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે.



ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ મુશ્કેલ સમયમાં લોકોને કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. ખ્વાજાએ લોકોને અપીલ કરતાં કહ્યું, કોરોના વાયરસને ગંભીરતાથી લો અને બિલકુલ બેદરકારી ન દાખવો. લોકોએ માત્ર પોતાના અંગે જ નહીં બીજા અંગે પણ વિચારવું જોઈએ.


ખ્વાજાએ ટ્વિટ કરીને લખ્યું, કોરોના વાયરસથી મરનારા લોકો સંખ્યા વધારે નથી. તેનો મતલબ એવો નથી કે તમે એક તરફી વલણ અપનાવો. એક સમાજ તરીકે આપણી જવાબદારી છે કે આપણે વૃદ્ધ લોકો અંગે વિચારીએ ઉપરાંત સામાજિક તથા આર્થિક રીતે તેની આપણા જીવન પર શું અસર પડશે તે અંગે પણ વિચારીએ. આપણે આપણી જવાબદારી નિભાવવી જોઈએ.


તેણે એમ પણ લખ્યું, આપણે જેટલી ગંભીરતાથી તેને લઈશું તેટલાં જલદી તેમાંથી બહાર નીકળીશું અને ઓછા લોકો તેનાથી પ્રભાવિત થશે. આપણે માત્ર આપણું જ નહીં પણ અન્ય લોકો અંગે પણ વિચારવું જોઈએ.


કોરોના વાયરસના કારણે 14 માર્ચે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે સીરિઝ રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મોટું પગલું લેતા તમામ ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ કેન્સલ કરી દીધી હતી.


ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા તરફથી 44 ટેસ્ટમાં 8 સદી  અને 14 સદી વજે 2887 રન બનાવ્યા છે. જ્યારે 40 વન ડેમાં 2 સદી અને 12 અડધી સદી વડે 1554 રન બનાવ્યા છે. આ ઉપરાંત 9 ટી20માં 132.4ના સ્ટ્રાઇક રેટથી 241 રન ફટકાર્યા છે.