નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વની ઠપ થઈ ગયું છે. આ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટર શોએબ અખ્તરે લોકોને આ સંકટના સમયમાં એકબીજાને મદદ કરવાની અપીલ કરી છે.


અખ્તરે તેની યૂટ્યુબ ચેનલ પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું, સમગ્ર વિશ્વએ એક સાથે મળીને કામ કરવાનું છે અને સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન કરવાનું છે. આ સ્થિતિમાં હું દુનિયાના તમામ ફેન્સને અપીલ કરું છું કે એકબીજાને સાથ આપો અને ધર્મને બાજુએ મુકીને વિચારો. વાયરસ ન ફેલાય તે માટે લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં જો તમે પણ લોકોને મળી રહ્યા છો તો તમારી મદદ કોઈ નહીં કરી શકે.

શોએબે આગળ કહ્યું કે, જો તમે સામાન ખરીદવામાં ઉતાવળ કરી રહ્યા છો તે કારીગરો અંગે વિચારો જે દાડિયું કરીને કમાય છે. દુકાનો ખાલી થઈ ચુકી છે. તેથી આગામી ત્રણ મહિના સુધી તમે જીવિત રહેશો તેની શું ગેરંટી છે. તેથી હાલ માણસ બનવાનો સમય આવી ગયો છે. હિન્દુ-મુસ્લિમ છોડો અને એકબીજાની મદદ કરો.

તેણે આગળ કહ્યું, ધનિકો તો બચી જશે પરંતુ ગરીબો કેવી રીતે બચશે. આપણે જાનવરોની જેમ રહીએ છીએ. પરંતુ માણસોની જેમ રહો.

આ પહેલા શોએબે કોરોના માટે ચીનના લોકોને જવાબદાર ગણાવી કહ્યું હતું કે તમે લોકો ચામાચીડિયા અને કૂતરા-બિલાડા ખાવ છો. જેના કારણે આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો અને આ માટે માત્ર ચીનના લોકો જવાબદાર છે.