નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ઇંગ્લેન્ડના હાથે ભારતની હાર બાદ સેમીફાઈનલનું ગણિત રસપ્રદ બની ગયું છે. હાલમાં માત્ર ઓસ્ટ્રેલિયા (14 પોઈન્ટ) સાથે સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ભારત (11 પોઈન્ટ) અને ન્યૂઝીલેન્ડ (11 પોઈન્ટ) સાથે હજુ પણ સેમીફાઈનલમાં નથી પહોંચ્યા. ભારતની હાર થતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ મોટું નુકસાન થયું છે. કારણ કે હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના સેમી ફાઇનલમાં પ્રવેશની સંભાવનાઓ ઘટી ગઈ છે.



આપને જણાવી દઈએ કે હાલ ક્રિકેટ વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 14 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે અને સેમી ફાઇલમાં પ્રેવશ કરી ચૂકી છે. જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડના 11-11 પોઈન્ટ્સ છે. પહેલા એમ હતું કે આ બન્ને ટીમોનું સેમી ફાઇનલમાં પ્રવેશ નક્કી છે. પરંતુ હવે ઇંગ્લેન્ડ સામે હાર બાદ ઇંગ્લેન્ડના પણ 10 પોઈન્ટ થઈ ગયા છે. જોકે ભારતે અત્યાર સુધી 7 મેચ રમી છે જ્યારે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ 8-8 મેચ રમી ચૂક્યા છે. તેથી ઓસ્ટ્રેલિયા બાદ બીજી ટીમ તરીકે સેમી ફાઇનલમાં ક્વાલિફાઇ કરવાની ભારતની શક્યતાઓ પ્રબળ છે.



સેમીફાઇનલમાં ત્રીજા નંબરની ટીમનો સ્થાન મેળવવા માટે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને બાકીની મેચ જીતવી જરૂરી છે. ત્યારે સેમી ફાઈનલમાં ચોથા નંબરે પ્રવેશવા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવાઈ રહી છે. પાકિસ્તાને અત્યાર સુધી 8 મેચ રમી 9 પોઈન્ટ એકત્ર કર્યા છે. જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાએ 7-7 મેચ રમી અનુક્રમે 7 અને 6 પોઈન્ટ મેળવ્યા છે. તેથી આ પરિસ્થિતિઓમાં હવે આ ત્રણે ટીમોને જો સેમીફાઇનલમાં એન્ટ્રી કરવી હોય તો દરેક ટીમને બધી મેચ જીતવી જરૂરી છે.



આથી કહી શકાય છે કે વર્લ્ડ કપની આવનારી મેચોમાં જબરદસ્ત સ્પર્ધા અને રોમાંચ જોવા મળશે. આપને જણાવી દઈએ કે સાઉથ અફ્રિકા, વેસ્ટઈન્ડિઝ અને અફગાનિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.