નવી દિલ્હીઃ લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહેલ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રૈના ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ સુપરકિંગ્સનો ભાગ છે.

ધોની આઈપીએલ 2020માં રમશે એ નક્કી છે, જોકે તેણે જુલાઈ 2019થી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. સુરેશ રૈનાનું માનવું છે કે, ધોની માર્ચના પ્રથમ સપ્તાહથી આઈપીએલ 2020 માટે ટ્રેનિંગ શરૂ કરી દેશે, પરંતુ ટીમ ઇન્ડિયામાં ધોનીના રમવાને લઈને તેણે હાલના કેપ્ટન વિરાટ કોહલી પર આધાર હોવાનું કહ્યું છે.

આ સિવાય રૈનાએ કહ્યું કે,‘હાલ તે પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરી રહ્યા છે જે જોઈ સારું અનુભવ થઈ રહ્યું છે. જો તેઓ ક્રિકેટ છોડવા માંગે છે તો કોઈ પણ હંગામો કર્યા વગર જશે.’

રૈનાએ આગળ કહ્યું કે, ‘હું, ધોનીને રમતા જોવા માંગું છું. તેઓ ફિટ જોવા મળી રહ્યા છે. મને હાલ પણ લાગે છે કે ભારતીય ક્રિકેટ ટીમને ધોનીની જરૂરત છે. પરંતુ આ વિરાટ કોહલી પર નિર્ભર છે કે તેઓ કેવી રીતે આગળ વધવા માંગે છે.’ આ સાથે રૈનાએ રાહુલ દ્રવિડ અને એમએસ ધોનીની કેપ્ટનશિપમાં રમતા પોતાને નસીબદાર ગણાવ્યા છે.