નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જ્યારેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેઓ અપેક્ષા વિપરિત સાહસિક અને ઐતિહાસિક નિર્ણય લઈ રહ્યા છે. જેના કારણે દેશના જ નહીં પરંતુ અન્ય દેશોના ક્રિકેટરો પણ પ્રભાવિત થયા છે.


બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા બાદ સૌરવ ગાંગુલીની સક્રિયતા અને સકરાત્મકતા જોઇ ખેલાડી અને લોકોની અપેક્ષાઓ વધી છે. ત્યારે હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે ભારત-પાકિસ્તાન ક્રિકેટની ફરી શરૂઆત માટે ગાંગુલીથી આશા રાખી છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહ્યું કે, આ ગાંગુલી છે, જેણે 2004માં બીસીસીઆઈના આક્રમક વલણ બાદ પણ બંન્ને દેશો વચ્ચે સિરીઝ આયોજીત કરવાને લઈને મહત્વની ભૂમિકા ભજવી હતી.



પાકિસ્તાનના અખબાર 'ધ નેશન'એ લતીફના હવાલાથી લખ્યું છે, 'એક ક્રિકેટર અને બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે, ગાંગુલી પીસીબી અને એહસાન મનીની મદદ કરી શકે છે.' તેમણે કહ્યું કે,‘જ્યાં સુધી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ફરી સ્થાપિત નથી થતા ત્યાં સુધી બંને દેશો વચ્ચે હાલાત સુધરશે નહીં. પીસીબી સીઈઓ વસીમ ખાને પણ આ મામલે સક્રિય ભૂમિકા ભજવી જોઈએ. જેથી દુનિયાના અન્ય દેશો પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા આવે અને પાકિસ્તાન ક્રિકેટની સ્થિતિમાં સુધારો થાય.’

તેમણે કહ્યું, 'પીસીબી સીઈઓ વસીમ ખાને પણ તેમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ અને તે નક્કી કરવું જોઈએ ક્રિકેટ રમનારા સર્વોચ્ચ દેશ પાકિસ્તાનના પ્રવાસ પર આવે તેનાથી પાકિસ્તાન અને સ્થાનીક ખેલાડીઓને મદદ મળશે.'