નવી દિલ્હીઃ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ અને ફાઇનલ ટેસ્ટ ટેસ્ટમાં ભારતે જીત મેળવી, આ સાથે જ ભારતે ચાર મેચોની ટેસ્ટ સીરીઝ પર 2-1થી કબજો જમાવ્યો હતો. મેચ બાદ એક ખેલદિલીની ભાવના વાળી ઘટના જોવા મળી, ભારતીય કેપ્ટન રહાણેએ ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર નાથન લિયોનને ટીમ ઇન્ડિયાની જર્સી આપી હતી. આ ખેલ ભાવનાથી રહાણેએ રમત પ્રેમીઓનુ દિલ જીતી લીધુ હતુ.


કેપ્ટન રહાણેએ 100મી ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના બૉલર નાથન લિયોનને એક ખાસ ગિફ્ટ આપી. રહાણેએ મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન નાથન લિયોનને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટમાં આપી હતી. આ જર્સી પર કેપ્ટન રહાણેનો ઓટોગ્રાફ પણ હતો. રહાણેની આ ખેલભાવનાની ચારેયબાજુ પ્રસંશા થઇ રહી છે.

દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે આ પગલાને લઇને રહાણનેની પ્રસંશા કરી. વીવીએસે ટ્વીટર પર લખ્યું- અજિંક્યેએ શાનદાર ભાવનાનુ પ્રદર્શન કર્યુ, નાથન લિયોનને 100મી ટેસ્ટ પર ભારતીય ટીમની જર્સી ગિફ્ટ કરી. રહાણેએ ખેલ ભાવનાનુ એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યુ, આટલી અવિશ્વસનીય જીત મેળવ્યા બાદ પણ તે કેટલો પ્રતિષ્ઠિત છે.



ઉલ્લેખનીય છે કે નાથન લિયોન લેગ સ્પિનર શેન વોર્ન બાદ ઓસ્ટ્રેલિયા તરફથી રમનારો સૌથી સફળ ફિરકી બૉલર છે. ઓસ્ટ્રેલિયન ટીમે મેચની શરૂઆતમાં તેને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કર્યો હતો. નાથન લિયોને 100 ટેસ્ટમાં 399 વિકેટ ઝડપી ચૂક્યો છે.