IND Vs ENG: ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો છે એવામાં પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં તેના સ્થાને કોને સમાવેશ કરવામાં આવશે તેને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલીનું સ્થાન કોણ લેશે. BCCIએ હજુ સુધી પ્રથમ બે ટેસ્ટ માટે વિરાટ કોહલીના બદલે કોઇ અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી નથી. આ પહેલા સોમવારે માહિતી સામે આવી હતી કે અંગત કારણોસર વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રેણીની પ્રથમ બે મેચમાં ભાગ લેશે નહીં. હવે પ્લેઈંગ 11માં વિરાટની જગ્યાએ કેએલ રાહુલના રમવાની શક્યતા વધી ગઈ છે.


કેએલ રાહુલ તે ખેલાડી છે જે પ્લેઇંગ 11માં વિરાટ કોહલીનું સ્થાન લેશે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન કેએલ રાહુલે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. જોકે, કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકા સામે વિકેટકીપિંગની જવાબદારી પણ લીધી હતી. પરંતુ ભારતમાં ટર્નિંગ ટ્રેકને કારણે રાહુલ માત્ર બેટ્સમેન તરીકે જ રમતો જોવા મળશે. રાહુલ પાંચમા નંબરે બેટિંગ કરે તેવી શક્યતા છે.


ચોથા નંબર પર બેટિંગની જવાબદારી શ્રેયસ ઐય્યરને આપવામાં આવી શકે છે. હોમ પીચો પર ઐય્યરનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. ઐય્યર છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ટીમનો ભાગ છે અને પસંદગીકારો પણ તેને ભવિષ્યના સ્ટાર તરીકે જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શ્રેયસને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક આપવામાં આવશે. પહેલાની જેમ જ શુભમન ગિલ હજુ પણ ત્રીજા નંબર પર રમતો જોવા મળશે જ્યારે ઓપનિંગની જવાબદારી કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના હાથમાં રહેશે.                                                                              


ભારતની સંભવિત પ્લેઇંગ-11


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.