Shubman Gill Cricketer of the Year: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)  મંગળવારે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું સન્માન કરશે. આ સિવાય 2023માં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલને મોટો એવોર્ડ આપવામાં આવશે.


ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને BCCIના 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. ઓપનર શુભમન ગીલને ગયા વર્ષે તેના શાનદાર પ્રદર્શન માટે વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવશે. શુભમન ગિલે છેલ્લા 12 મહિનામાં વનડેમાં પાંચ સદી ફટકારી છે. આ ઉપરાંત તે વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો.


બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, "તેમને (રવિ શાસ્ત્રીને) સન્માન (લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ) માટે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે શુભમન ગિલને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવશે."


નોંધનીય છે કે BCCI ચાર વર્ષ પછી પોતાના ખેલાડીઓનું સન્માન કરવા જઈ રહ્યું છે. આ પહેલા છેલ્લી વખત BCCIએ 2019માં પોતાના ખેલાડીઓનું સન્માન કર્યું હતું. BCCIના આ કાર્યક્રમમાં ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમના ખેલાડીઓ હાજર રહી શકશે.


61 વર્ષીય રવિ શાસ્ત્રીએ ભારત માટે 80 ટેસ્ટ અને 150 વનડે રમી છે. ક્રિકેટને અલવિદા કર્યા પછી તેઓ કોમેન્ટેટર તરીકે પણ ખૂબ જાણીતા છે. તેઓ ટીમ ઈન્ડિયાના ડાયરેક્ટર બન્યા અને પછી કોચ પણ બન્યા હતા.                                                                               


રવિ શાસ્ત્રી બે વખત ટીમ ઈન્ડિયાના કોચ રહ્યા હતા. તેઓ 2014 થી 2016 સુધી ટીમના ડાયરેક્ટર તરીકે રાષ્ટ્રીય ટીમમાં જોડાયા અને પછી 2017 થી 2021 માં ટી-20 વર્લ્ડ કપ સુધી વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ મુખ્ય કોચની ભૂમિકા નિભાવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતી હતી. શાસ્ત્રીના કોચ દરમિયાન ભારત પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે હાર્યું હતું. આ સિવાય તેમના કોચિંગ હેઠળ ભારત 2019 વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પણ પહોંચ્યું હતું.