ACC Womens Emerging Teams Asia Cup 2023: ભારતીય ટીમે ફરી એકવાર કમાલ કર્યો છે. હોંગકોંગમાં રમાઈ રહેલો ઇમર્જિંગ વૂમેન્સ એશિયા કપ 2023માં ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ભારતીય A મહિલા ટીમે જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ભારતીય A મહિલા ટીમે બાંગ્લાદેશને 31 રને હરાવ્યું હતું. ટાઈટલ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 127 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 96 રનોમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમ માટે શ્રેયંકા પાટીલે સૌથી વધુ 4 વિકેટો પોતાના નામે કરી હતી.


ભારતીય મહિલા A ટીમે ફાઇનલ મેચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરનાર શ્વેતા સેહરાવત અને ઉમા છેત્રીએ પ્રથમ વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી. આ પછી વૃંદા દિનેશે 36 રન બનાવ્યા જ્યારે કનિકા આહુજાએ 30 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતીય મહિલા A ટીમ 20 ઓવરમાં 7 વિકેટો ગુમાવીને 127 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ મહિલા A ટીમ માટે બૉલિંગમાં નાહિદા અક્ટર અને સુલતાના ખાતુને 2-2 વિકેટો ઝડપી હતી. 






ભારત તરફથી બૉલિંગમાં ફરીથી જોવા મળ્યો જાદુ - 
128 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશ A મહિલા ટીમે શરૂઆતથી જ વિકેટો ગુમાવવાનું શરૂ દીધી હતુ. 51ના સ્કૉર સુધીમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશ A મહિલા ટીમ 19.2 ઓવરમાં 96 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમના માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. સ્પિન બૉલર શ્રેયંકા પાટીલ ફરી એકવાર ભારતીય મહિલા ટીમ માટે કમાલ કર્યો હતો. શ્રેયંકાએ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 4 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત મન્નત કશ્યપે 3 જ્યારે કનિકા આહુજાએ પણ 2 વિકેટો ઝડપી હતી.