નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના લિમિટેડ ઓવરોના સ્ટાર લેગ સ્પિનર એડમ ઝામ્પા પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો છે. એડમ ઝામ્પા પર બિગ બેશ લીગમાં (બીબીએલ) અપશબ્દો બોલવાના કારણે એક મેચ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં બતાવવામાં આવ્યુ કે એડમ ઝામ્પાએ 29 ડિસેમ્બરે રમાયેલી મેચમાં ગાળાગાળી કરી હતી, અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.


બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર તરફથી એડમ ઝામ્પા રમી રહ્યો છે, અને તેને સિડની થન્ડર સામેની મેચમાં આ વ્યવહાર કર્યો હતો, તેને બાદમાં પોતાના પર લાગેલા આરોપોનો સ્વીકાર કરી લીધો છે. એડમ ઝામ્પાના ખાતામાં એક સસ્પેન્શન પૉઇન્ટ આવ્યો છે અને તેના પર 2500 ડૉલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

(ફાઇલ તસવીર)

સિડની થન્ડરની ઇનિંગની 16મી ઓવર દરમિયાન કેલમ ફર્ગ્યૂસને એડમ ઝામ્પાના એક બૉલ પર કટ કર્યુ, અને એક રન લીધો. થન્ડરના બેટ્સમેન પીચની વચ્ચે દોડી રહ્યાં હતા, ત્યારે એડમ ઝામ્પાએ અપશબ્દોનો ઉપયોગ કર્યો, જે ગાળાગાળી સ્ટમ્પ માઇકમાં કેદ થઇ ગઇ હતી. 28 વર્ષીય બૉલર ઝામ્પાએ બીબીએલની આ સિઝનમાં અત્યાર સુધી 7 વિકેટ ઝડપી છે.