નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને દુનિયાના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંના એક વિરાટ કોહલી માટે વર્ષ 2020 કંઈ ખાસ રહ્યું નહીં. વિશ્વ ક્રિકેટમાં રન મશીનના નામથી જાણીતા કિંગ કોહલીએ આ વર્ષે કુલ 22 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાંથી તેણે ત્રણ ટેસ્ટ, 9 વનડે અને 10 ટી20 ઈન્ટરનેશનલ મેચ સામેલ છે.


જો કે, આ દરમિયાન કોહલીના નામે એક પણ સદી નોંધાઈ નથી. 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ પહેલી વખત આવ્યું થયું છે કે, જ્યારે વર્ષમાં કોહલીના બેટથી એક પણ સદી નથી બની.

ઉલ્લેખનીય છે કે, કોહલીએ આ વર્ષે વનડેમાં પાંચ અડધી સદી અને ટેસ્ટ તથા ટી20 ઈન્ટરનેશનલમાં એક -એક અડધી નોંધાવી હતી. જ્યારે 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે સાત સદી અને 14 અડધી સદી ફટકારી હતી.

વર્ષ 2020માં કોહલીએ ત્રણ ટેસ્ટ રમી હતી. આ દરમિયાન તેણે માત્ર 116 રન બનાવ્યા છે. તેનો ર્સવોચ્ચ સ્કોર 74 રન રહ્યો હતો. જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પિંક બોલ ટેસ્ટમાં બનાવ્યો હતો. કોહલી આ વર્ષે માત્ર એક અડધી સદી નોંધાવી શક્યો હતો. જ્યારે વનડેમાં 431 રન બનાવ્યા હતા. વનડેમાં સર્વાધિક સ્કોર 89 રનનો હતો. કુલ પાંચ અડધી સદી ફટકારી હતી.

કોહલીએ આ વર્ષે કુલ 10 ટી20 ઈન્ટરનેશલ મેચ રમી હતી. જેમાં કુલ 295 રન બનાવ્યા હતા. ટી20માં સર્વાધિક સ્કોર 85 હતો, અને અડધી સદી નોંધાવી હતી.