Indian Team 1983 To 2024 World Cup Prize Money: ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો. આ જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવાની જાહેરાત કરી હતી. BCCI દ્વારા વર્લ્ડકપ વિજેતા ટીમ ઈન્ડિયાને આપવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ હતી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ચાર વખત વર્લ્ડકપ જીત્યો છે (બે T20 અને બે ODI), જેનું પહેલું ટાઈટલ 1983માં આવ્યું હતું. તો ચાલો જાણીએ ટીમ ઈન્ડિયાને દરેક વખતે કેટલી ઈનામી રકમ મળી.


1983 વનડે વર્લ્ડકપ - 
ભારતીય ટીમે પ્રથમ વખત 1983માં ODI વર્લ્ડકપ જીત્યો હતો. આ ખિતાબ કપિલ દેવની કેપ્ટનશીપમાં મળ્યો હતો. આ તે સમય હતો જ્યારે BCCIની હાલત ખૂબ જ ખરાબ હતી. વિજેતા ટીમના ખેલાડીઓને ઇનામ આપવા માટે બોર્ડ પાસે પૈસા ના હતા. પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે કપિલ દેવની ટીમને ઈનામની રકમ આપવા માટે એક શૉ કરીને પૈસા એકઠા કર્યા હતા. લતા મંગેશકરના શોમાંથી એકત્ર થયેલા પૈસામાંથી વિજેતા ટીમના ખેલાડીઓને ઈનામ તરીકે 1-1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.


2007 ટી20 વર્લ્ડકપ - 
આ પછી ટીમ ઈન્ડિયાએ 2007માં બીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. આ T20 વર્લ્ડકપની પ્રથમ આવૃત્તિ હતી, જેમાં મેન ઇન બ્લૂએ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ખિતાબ જીત્યો હતો. આ જીત માટે BCCIએ ટીમ ઈન્ડિયાને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું હતું. ટીમ સિવાય 6 સિક્સર મારનાર યુવરાજ સિંહને 1 કરોડ રૂપિયાની અલગથી ઈનામી રકમ આપવામાં આવી હતી.


2011 વનડે વર્લ્ડકપ -  
ટીમ ઈન્ડિયાએ 2011માં ODI વર્લ્ડકપનો બીજો ખિતાબ જીત્યો હતો. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતને આ જીત મળી હતી. આ જીત બાદ ભારતીય બોર્ડ એટલે કે BCCIએ ટીમ ઈન્ડિયાને 39 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી હતી. આ ઈનામી રકમમાં ટીમના તમામ ખેલાડીઓને 2-2 કરોડ રૂપિયા મળ્યા છે. બાકીના પૈસા કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા.


2024 ટી20 વર્લ્ડકપ -  
ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડકપનું બીજું ટાઈટલ જીત્યું. આ જીત બાદ BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતને આ જીત મળી હતી.