SL vs NZ 1st T20I: ન્યૂઝીલેન્ડના પ્રવાસે ત્રણ મેચોની ટી20 સીરીઝની પહેલી મેચમાં શ્રીલંકન ટીમને જાદુઇ જીત હાંસલ થઇ છે. ઓકલેન્ડમાં આજે (2 એપ્રિલ) રમાયેલી આ T20 મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 196 રનનો વિશાળ સ્કૉર ઉભો કરી લીધો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પણ શાનદાર બેટિંગ કરી, અને છેલ્લા બૉલ પર સિક્સર ફટકારીને મેચ ટાઈ કરી દીધી હતી. જોકે, અહીં કિવી ટીમને સુપર-ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટૉમ લાથમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું. શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકા (0) મેચના પહેલા જ બૉલ પર આઉટ થયો હતો. જોકે, તે પછી કુસલ મેન્ડિસ (25), કુસલ પરેરા (53), ધનંજયા ડી સિલ્વા (15), ચારિથ અસલંકા (67) અને વાનિન્દુ હસરંગા (21)એ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન શ્રીલંકાની ટીમે પણ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 196 રન કરી લીધા હતા. 


કિવી ટીમની ઇનિંગ, મેચની ડિટેલ્સ  - 
197 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડના બન્ને ઓપનર બેટ્સમેન કુલ 3 રન પર પેવેલિયન પરત ફર્યા હતા. જો કે, અહીંથી ટૉમ લાથમ (27), ડેરીલ મિશેલ (66), માર્ક ચેપમેન (33), જીમી નિશામ (19), રચિન રવિન્દ્ર (26) અને ઈશ સોઢી (10)એ મેચ ટાઈ કરાવી હતી. મેચની છેલ્લી ઓવરમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 13 રનની જરૂર હતી અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા ખુદ બૉલિંગ કરી રહ્યા હતા. તેણે તેના પ્રથમ 5 બૉલમાં માત્ર 6 રન આપ્યા અને એક વિકેટ લીધી. હવે ન્યૂઝીલેન્ડને મેચ ટાઈ કરવા માટે છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી અને ઈશ સોઢીએ અહીં સિક્સર ફટકારી હતી.


સુપર-ઓવરમાં મહિષ તીક્ષણાનો કમાલ - 
સુપર-ઓવરમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. અહીં મહિષ તીક્ષણાએ તેના પ્રથમ ચાર બૉલમાં માત્ર 4 રન આપ્યા અને એક વિકેટ લીધી. તેણે પાંચમા બૉલ પર ચોગ્ગો અને છઠ્ઠા બૉલ પર બીજી વિકેટ લીધી. આ રીતે કિવી ટીમ સુપર ઓવરમાં માત્ર 8 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાને અહીં જીત માટે 9 રનનો આ ટાર્ગેટ હતો, જે તેને માત્ર ત્રણ બૉલમાં હાંસલ કરી લીધો, અહીં, મેન્ડિસે એડમ મિલ્નેના પ્રથમ બૉલ પર સિંગલ લીધો, પછી બીજા બૉલ પર ચરિથ અસલંકાએ સિક્સર ફટકારી અને ત્રીજા બૉલ પર, જે નૉ-બૉલ પણ હતો, અસલંકાએ ચોગ્ગો ફટકારીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આ મેચમાં શ્રીલંકાનો અસલંકાની 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો.